ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર લાખો વાહન ચાલકો માટે અંગ્રેજોનાં શાસનથી આશીર્વાદ રૂપી ગોલ્ડન બ્રિજ અવારનવાર ટ્રાફિકનાં કારણે લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બનતું હોય છે, આ બ્રિજ ભરૂચ, અંકલેશ્વરનાં નોકરીયાત વર્ગનાં લોકો મોટા ભાગે ઉપયોગ કરે છે અને સમયસર પોતાના ધંધા રોજગાર પર જતા હોય છે.
પરંતુ બ્રિજ પર અવારનવાર આવતી અન્ય શહેરોની ગાડીઓ હવે સ્થાનિક વાહન ચાલકો માટે માથાનાં દુઃખાવા સમાન બન્યું છે. ને.હા ૪૮ પર ટોલ ટેક્ષ બચાવવા માટે અન્ય શહેરનાં મોટા ભાગનાં વાહનો ગોલ્ડન બ્રિજમાં પ્રવેશી જતા હોય છે અને બ્રિજ સાંકડો હોવાથી ના છૂટકે અહીંયા અકસ્માતોનું નિર્માણ થતું હોય છે.
આજે સવારે પણ જી જે ૧૯ પાસિંગની એક કાર ગોલ્ડન બ્રિજની રેલીંગમાં ઘુસી જતા અનેક વાહનો બ્રિજમાં અટવાયા હતા તેમજ ભરૂચ, અંકલેશ્વર વચ્ચે ભારે ટ્રાફિકનું નિર્માણ થયું હતું. ટ્રાફિકનાં પગલે બ્રિજનાં છેડે ઉભેલા પોલીસનાં જવાનોએ તાત્કાલિક ક્રેનની મદદથી બ્રિજ વચ્ચે ફસાયેલ કારને બહાર કાઢી ટ્રાફિકની સ્થિતિને હળવી કરતા વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.