ભરૂચ જીલ્લાનાં નેત્રંગથી રાજપારડી તરફ જતાં એક ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડયો અને આ ટ્રકનાં વોન્ટેડ આરોપીને પણ કબ્જે કરી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ, રેન્જ વડોદરા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા સૂચના આપવામાં આવેલ કે ભરૂચ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને તથા દારૂ બીયરનાં જથ્થાની હેરાફેરી અટકાવવા માટે એક ટીમ બનાવી કામગીરી કરવામાં આવેલ આ કામગીરીમાં નેત્રંગ પોલીસ પેટ્રોલીંગમાં હોય આ પોલીસ પેટ્રોલીંગ દરમિયાન નેત્રંગથી રાજપારડી તરફ જતાં એમ.એમ.ભકતા હાઈસ્કૂલ નજીક ઊભેલી એક ટ્રકમાં દારૂનો જથ્થો હોય તેવી બાતમીનાં આધારે આ ટ્રકની તલાશી લેતા આ ટ્રકમાં બીયરનાં ટીન તેમજ દારૂની કુલ બોટલ 22512 મળી 626 બોકસ વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂ. 29,35,200 અને HR 55 N 5171 નંબરની ટ્રક સહિત કુલ કિંમત રૂ.39,42,200 નો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી કલીનર કુલદીપ સિંગ ઉર્ફે અર્જુન સિંગ જૈબસિંગ સોનીની પોલીસે ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વની બાબત એ છે કે છેલ્લા 24 કલાકમાં નેત્રંગ ટાઉન વિસ્તારમાંથી પોલીસ વિભાગે એક લકઝુરિયર્સ કારમાં મોટા પ્રમાણમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. તેમજ વધુ એક વિદેશી દારૂની ટ્રક લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા આમ કુલ 50 લાખ ઉપરાંતનો મુદામાલ પોલીસે ગણતરીનાં કલાકોમાં બેફામ બનેલા બુટલેગરો સામે કાર્યવાહી કરી ઝડપી પાડતા બે નંબરી વ્યવસાય સાથે જોડાયેલા બુટલેગરી આલમમાં ખળભળાટ મચ્યો છે.