તમે ચૂંટણીમાં અત્યાર સુધી તો હટકે પ્રચાર બિહાર અને હરિયાણામાં જોયો છે. જ્યાં નેતાઓના પ્રચારમાં સુંદર હસિનાઓને નાચતા અને સ્ટેજ પર ઠુમકા લગાવતા જોઈ છે. પરંતુ હવે તે બિહાર અને હરિયાણાના રંગ ગુજરાતીઓને પણ લાગ્યા છે. કારણ કે, કદાચ પહેલી વખત રાજકીય ચૂંટણી મંચ પર એક ગાયિકા ઠુમકા લગાવતી જોવા મળી. નેતાજીનો પ્રચાર કરતા જોવા મળી હતી.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામ ખાતે યોજાયેલ ભાજપના ઉમેદવાર નીતિન પટેલ ઉર્ફે ભોલાનાં પ્રચાર માટે બાઇક રેલી અને સભા યોજાઈ હતી, આ સભામાં મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદની વચ્ચે અભિનેત્રીએ સ્ટેજ પર ઠુમકા લગાવ્યા હતા અને લોકોને ભોલા ભાઈને જીતાડવા માટે અપીલ કરી હતી, જોકે આ બધા વચ્ચે કોરોનાનાં નિયમો જાણે કે અહીંયા લાગુ જ ન પડતા હોય તેમ સ્ટેજ પર અને ભીડમાં સામેલ તમામ લોકોના મોઢા પર ન તો માસ્ક જોવા મળ્યું હતું ન તો સામાજિક અંતર જેવી બાબત જોવા મળી હતી ત્યારે સમગ્ર ઘટના ક્રમ અંગેના વીડિયો વાયરલ થતા તંત્ર સામે પણ સવાલો ઉભા થયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગાયિકા મમતા ચૌધરીના ઠુમકા જોવા કોરોનાનાં નિયમોનું ભંગ થતું જોવા મળ્યું હતું. ભરૂચના જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે ભાજપની સભામાં ગુજરાતી ફિલ્મનાં કલાકાર મમતા ચૌધરી હાજર રહ્યા હતા. મમતા ચૌધરીનો ડાન્સ જોવા માટે લોકોના ટોળે ટોળા ભેગા થયા હતા આ વચ્ચે કોરોનાના નિયમ નેવે મુકાયા હતા.
શું વહીવટી તંત્ર પરમિશનો આપ્યા બાદ જવાબદારીમાંથી છટકી જાય છે, કારણ કે થોડા દિવસો અગાઉ ભરૂચમાં ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલની રેલી અને સભામાં પણ નિયમો નેવે મૂકાયા હતા તો હવે જંબુસર ખાતેથી આવતા આવા દ્રશ્યો વહીવટી તંત્રની કામગીરી ઉપર સવાલો ઉભા કરે છે, માસ્કના નામે સામાન્ય નાગરિકોને 1 હજાર સુધીનો દંડ વસુલનાર ભરૂચ પોલીસ પણ આવા નેતાઓ સામે લાચાર બની ગઈ હોય તેવી ચર્ચાઓ પણ સમગ્ર ઘટના ક્રમ બાદથી ટોક ઓફ ધી ટાઉન બની છે.