સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે ત્યારે રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બંને મુખ્ય રાજકીય પક્ષો કોંગ્રેસ તથા ભાજપા દ્વારા જાહેર સભાઓ યોજી મતદારોને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે ગતરાત્રીના ૨૨- પાલેજ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતોના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજાઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે ગુજરાત ભાજપ લઘુમતી મોરચાના અધ્યક્ષ મહેબુબ અલી બાવા સાહેબે પોતાના સંબોધનમાં હાજર જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે ૨૫ વર્ષોથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. હવે જોશથી નહીં પણ હોશથી કામ લેવાનો સમય છે. સમાજને એકત્રિત કરવાનું કાર્ય કરીએ એ જ બહુ મોટી સેવા છે. ભાજપના તાલુકા તેમજ જિલ્લા પંચાયતનાં ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપે સમાજના તમામ લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપ્યો છે. વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાના મત વિસ્તારમાં માર્ગોનું નિર્માણ કરાવ્યું છે જેમાં દ્રિતિય નંબર અરૂણસિંહનો આવે છે.
ત્યારબાદ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ચૂંટણી મારા માટે મહત્વની નથી. કોંગ્રેસની જેમ ભાગલા પાડો રાજ કરો એ અમારી નીતિ નથી. ભાજપ હંમેશા સૌનો સાથ સૌનો વિકાસથી ચાલતી પાર્ટી છે. નરેન્દ્ર મોદી જ્યારથી ગાદી પર બેઠા ત્યારથી સમાજના તમામ વર્ગોના લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપ્યો છે. નરેન્દ્ર મોદીએ શિક્ષણક્ષેત્રે પણ ભાર મૂક્યો છે. નવી શાળાઓ નિર્માણ કરવાનું પણ કામ કેન્દ્ર સરકારે કર્યું છે એમ તેઓએ જણાવ્યું હતું. તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. આયોજિત સભામાં પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ મિસ્ત્રી, ભરૂચ ભાજપ તાલુકા પ્રમુખ, ઉપપ્રમુખ, ભાજપ મહિલા કાર્યકર રોશન બેન વૈરાગી, કિશનાડ ગ્રામપંચાયતના સરપંચ કૃણાલ પટેલ, પૂર્વ સરપંચ સુનીલ પટેલ તેમજ ભાજપના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં પાલેજ સહિત આસપાસના લોકો ઉમટી પડયા હતા.
યાકુબ પટેલ : પાલેજ
ભરૂચ : પાલેજ ખાતે ભાજપનાં ઉમેદવારનાં સમર્થનમાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાની જાહેર સભા યોજાઈ હતી…
Advertisement