ભરૂચમાં નર્મદા ચોકડીથી દહેજ વચ્ચે ચાલતી ઇકો પેસેન્જર વાન અને રિક્ષા ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મુદ્દે રિક્ષા ચાલકોએ ભારે નારાજગી વ્યકત કરી પોતાની રજૂઆતો કરી છે.
ભરૂચ નર્મદા ચોકડીથી દહેજ વચ્ચે ઇકો પેસેન્જર વાન અને રિક્ષા ચાલકો વચ્ચે અવારનવાર પેસેન્જર બેસાડવા અંગે રકઝક થતી હોય છે. આજે આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઇકો પેસેન્જરનાં માલિક અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં એક વ્યક્તિને ઇજાઓ થતાં તેમને સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ઇકો ચાલકે પેસેન્જર બેસાડવાના મુદ્દે રિક્ષા ચાલક સાથે બોલાચાલી થતાં મામલો વધુ પડતો બીચકયો હતો. તેમાં બંને પક્ષોમાં મારામારી થઈ જતાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને સારવાર હેઠળ હોસ્પિટલે ખસેડયો તેમજ ઇકો ચાલકની દાદાગીરી વધુ પડતી હોવાના પણ રિક્ષા ચાલકોએ આક્ષેપ કર્યા છે અને ઇકો ચાલકે દાદાગીરીથી કહ્યું હતું કે “તારે જેને બોલાવવું હોય બોલાવ ભરણ ભરીને ગાડી ચલાવું છું” આ વાતથી ભરૂચ પોલીસ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે.
ભરૂચ નર્મદા ચોકડી રોડ પર ચાલતી ઇકો ગાડીમાં ખીચોખીચ પેસેન્જર ભરવામાં આવે છે. ઓવરલોડ પેસેન્જર ભરી ચાલતી આ ગાડીઓ શું પોલીસ વિભાગનાં કે ટ્રાફિક શાખાનાં ધ્યાનમાં નથી આવતી ? તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે ?
ઉપરાંત જો આજે બનેલા બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કોઈ પગલા નહીં ભરવામાં આવે તો આગામી સમયમાં રિક્ષા ચાલકો દ્વારા હડતાળ પાડવામાં આવશે તેવી પણ ચીમકી રિક્ષા એસોસિએશનનાં ઉપપ્રમુખ આબીદ શેખે આપી છે.