ભરૂચ ખાતે આજે જીએનએફસી સ્ટેડીયમમાં યોજાયેલા આઇટીઆઇ રોજગાર મેળાના કાર્યક્રમ બાદ ભરૂચ જીએનએફસીના નીમ પ્રોજેક્ટ પ્લાન્ટની ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવારે મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રસંગે તેમની સાથે શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ, શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અને જીએનએફસીના મેનેજીંગ ડીરેક્ટરશ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્તા તથા જીએનએફસીના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
જીએનએફસીના નીમ પ્રોજેક્ટ પ્લાન્ટની મુલાકાત અવસરે ભારત સરકારના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવારે પ્લાન્ટનું ઝીંણવટભર્યું નિરીક્ષણ ર્ક્યું હતું અને નીમ પ્રોજેક્ટ ધ્વારા થઇ રહેલી કામગીરીની જાણકારી મેળવી હતી તેમણે જીએનએફસીના નીમ પ્રોજેક્ટ ધ્વારા હાથ ધરાયેલાં વિવિધ કાર્યોની સરાહના કરી હતી.
ઉલ્લેખનીય, છે કે કૃષિ ભારતના અર્થતંત્રનો આધાર સ્થંભ છે અને ખેડૂતો દેશની કરોડરજ્જૂ સમાન તાકાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના ૬૯ માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દેશને સંબોધતાં એ વાત પર ભાર મુક્યો કે, પાણી બચાવો, ઊર્જા બચાવો, ખાતર બચાવો આ મંત્ર આ નવીન પહેલ માટે ચાલક બળ છે અને આપણને લીમડા ધ્વારા થતાં ફાયદાઓ મેળવવા તરફ લઇ જાય છે. સદીઓ જુનુ આ સેન્દ્રિય ખાતર આપણાં માટે જીવન રક્ષક તરીકે અમૃત સમાન છે. ગુજરાત નર્મદા વેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમીકલ લી. કંપની એ આ પ્રકારના નીમ પ્રોજેક્ટની આગેવાની લીધી. જીએનએફસી એક એવી સંસ્થા છે જે હંમેશા ખેડૂતો માટે પ્રયત્નશીલ છે. જીએનએફસીએ ગ્રામ્ય સંસ્થાઓ સાથેના સીધા સંપર્ક જેવા કે નર્મદા ખેડૂત સહાયકેન્દ્ર, સખીમંડળ, પાણી સમિતિ, દૂધ મંડળી અને ગરીબ ખેડૂતોની મદદથી લીંબોળીના એકત્રીકરણનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક વિકસાવ્યો છે. લીંબોળીના એકત્રીકરણની પ્રક્રિયામાં એક લાખથી વધુ મહિલાઓ ધ્વારા થયેલ સામાજીક – આર્થિક સશક્તિકરણથી તેમની આવક નોંધપાત્ર વધી છે. લીંબોળીની પિલાણ પ્રક્રિયા પછી તેમાંથી નીમ કેક તૈયાર કરવામાં આવે છે અને તેમાંથી નીકળેલ લીંબોળીના તેલનું યુરિયા પર આવરણ કરવામાં આવે છે તથા વધારાના ઓઇલમાંથી નીમ સાબુ, નીમ હેર ઓઇલ, નીમ સેમ્પુ, નીમ હેન્ડવોસ વગેરે વસ્તુઓના ઉત્પાદન થકી અસંખ્ય મહિલાઓ રોજગારી મેળવે છે. સીધી સાદી નીમ કોર્ટીંગની પ્રક્રિયાએ મોટે પાયે રોજગાર અને રોજગારીની તકો ઉભી કરી છે.
જીએનએફસીના નીમ પ્રોજેક્ટે યુરિયાના દુરપયોગને રોકવામાં નોંધપાત્ર ભાગ ભજવ્યો છે. ખેતીમાં યુરિયાનો વપરાશ ઘટયો, વિશેષતઃ ગ્રામીય મહિલાઓને વધારાની આવક પ્રાપ્ત થઇ, મોટા પાયે ખેડૂતોના લાભાર્થે સેન્દ્રિય ખાતરના વપરાશને પ્રોત્સાહન મળ્યું. લીમડાના વૃક્ષોની સારસંભાળ અને રક્ષણાર્થે પ્રજાને પ્રોત્સાહન મળ્યું.