ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તોડજોડ અને પક્ષ પલટાની અનેક ઘટનાઓ સામે આવી છે ત્યારે ઉમેદવારી પત્રો ભરાયા બાદ આવતી કાલે ઉમેદવારી પત્ર પરત લેવાના છેલ્લો દિવસ હોય કોંગ્રેસ એકશનમાં જોવા મળી હતી જેમાં કોંગ્રેસના જિલ્લા અને તાલુકા પંચાયતના 50 થી વધુ ઉમેદવારોને જે તે કોંગ્રેસના આગેવાનોના ઘરે નનાજર કેદ કરાયા હોવાનું સામે આવ્યું છે, ફોર્મ ચકાસણી અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાના દિવસો દરમિયાન કોંગ્રેસ નજરમાં કરાયેલા તમામ ઉમેદવારો કોંગી આગેવાનોની સાથે જ રાખવાનું જિલ્લા પ્રમુખ પરિમલ સિંહ રાણાએ રણનીતિનાં ભાગ રૂપે નક્કી કર્યું છે.
મહત્વનું છે કે કોંગ્રેસનાં ઉમેદવારોને ધાક ધમકી અને કોંગ્રેસને તોડવાના પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવતા હોવાના આક્ષેપો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા એક પત્રકાર પરિષદ યોજી ગત રોજ કરવામાં આવ્યા હતા ત્યારે હવે કોંગ્રેસના ચાણકય એવા સ્વ. અહેમદ પટેલ સહિત અને સિનિયર કોંગ્રેસનાં નિધન બાદથી દિશા વિહીન બનેલ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને તૂટતી અટકાવવા માટે ફૂંકી ફૂંકીને આગળ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે.
મહત્વનું છે કે કોંગ્રેસનાં ઉમેદવારોને નજર કેદ ખુદ કોંગ્રેસનાં જ આગેવાનોનાં નિવાસે કરવામાં આવ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરતા રાજકીય માહોલ ગરમાયો હતો અને જે કોંગ્રેસ પોતે મજબૂતાઈથી ચૂંટણીના રણમાં ઉતરવાની વાત કરતી હતી તે જ કોંગ્રેસ હવે તેઓના ઉમેદવારોને સાચવવા માટે નજર કેદ કરવા સુધીની સ્થિતિમાં આવી ગઈ છે.