પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ ૨૨/૦૧/૨૦૨૧ ના રોજ દહેજની ફિલાટેક્ષ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાંથી ટ્રક નંબર GJ.16.AV 1681 ના ચાલક અતિક અહેમદ જોહર અલી રહે.ગામ રામપુર પ્રતાપગઢ “ઉત્તર પ્રદેશ” ની સાથે કુલ ૪૦ પેલેટમાં કુલ ૪૮૦ બોક્ષમાં ૧૯ ટન ૫૫૯ કિ. ગ્રામ કી.રૂ ૨૬.૬૫.૩૪૫ નું પોલિસ્ટર યાર્ન ફિલાટેક્ષ ઇન્ડિયા કંપનીમાંથી ભરી કોમર્શિયલ કેરિયર કડોદરા ખાતે પહોંચાડવા રવાના કરવામાં આવ્યા હતા.
દરમિયાન આરોપીઓએ પોલિસ્ટર યાર્નના બોક્ષ કોમર્શીયલ કેરિયર કડોદરા ખાતે નહિ પહોંચાડી રસ્તામાં જ સગેવગે કરી નવસારી ગ્રેટ ગોલ્ડન હોટલ ઉપર ખાલી ટ્રક મૂકી નાસી જઈ કંપની સાથે વિશ્વાસઘાત કરતા કંપની સંચાલકોએ મામલે દહેજ પોલીસ મથકે ફરિયાદ કરી હતી, જે બાદ દહેજ પોલીસે સમગ્ર મામલે તપાસનાં ધમધમાટ શરૂ કર્યા હતા.
દહેજ પોલીસની તપાસમાં બાતમી મળેલ કે સુરતના વનમાળી જંકસન BRTS કેનાલ રોડ, યોગીચોક પાસે આવેલ બીનાકા કેમ્પમાં આવેલ ગોડાઉનમાં કેટલાક ઈસમો પોલિસ્ટર યાર્નના બોક્ષ સાથે હાજર છે પોલીસ તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ દોડી જઈ સ્થળ પરથી (૧) શિવલાલ હસમુખલાલ શાહ, રહે. શિવ મરૂધર રેશીડેન્સી, પાલ અડાજણ, સુરત તેમજ (૨) જયેશ ભાઈ મનહર ભાઈ જૈન રહે. ગાયત્રી સોસાયટી 1 ઉધના શાકમાર્કેટ, ઉધના સુરત નાઓને ફિલાટેક્ષ ઇન્ડિયા લિમિટેડ કંપનીના પોલિસ્ટર ટેક્ષટર્ડ યાર્નના કુલ બોક્ષ નંગ ૩૬૬ કિંમત રૂ.૨૦.૩૨૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ઘટનામાં ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.