સરકારી નોકરી મેળવવીએ મોટાભાગે હાલના સમયમાં દરેક યુવાનનું સ્વપ્ન હોય છે. આ સ્વપ્નને સાકાર કરવામાં વિદ્યાર્થીઓને જો કોઈ બેસ્ટ કોચિંગ ક્લાસનો સાથ મળે તો સોનામાં સુગંધ ભળે. વિદ્યાર્થીઓને ઝળહળતી સફળતા અપાવવા માટે રાજકોટમાં આવી જ એક સંસ્થા ઉમદા કાર્ય કરી રહી છે. વિદ્યાર્થીઓને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ થવા માટે રાજકોટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા કોચિંગ ક્લાસિસ ચલાવાઈ રહ્યા છે. શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશને સૌરાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે યુપીએસસી, જીપીએસસી, પોલીસ ઈન્સ્પેક્ટર તથા વર્ગ- ૧,૨ અને ૩ ના કોચિંગમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે.
આ સંસ્થામાં તમામ જ્ઞાતિના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ સ્પર્ધાત્મક પરીક્ષાને લગતું જ્ઞાન મેળવે છે. દૂર દૂરથી વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવવાના સ્વપ્ન લઈને અહીં કોચિંગ ક્લાસ માટે આવે છે અને ઝળહળતી સફળતા મેળવી સમાજ, પરિવાર અને સંસ્થાનું નામ રોશન કરે છે. અહીં આવેલા અનેક વિદ્યાર્થીઓએ સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે. જીપીએસસી દ્વારા લેવાયેલી પીઆઇ વર્ગ-૨ની પરીક્ષાનું હાલમાં જ પરિણામ જાહેર કરાયું છે. આ પરીક્ષામાં પાસ થયેલા કુલ ૬૦ ઉમેદવારોમાં સંસ્થાના ૩૦ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. મુખ્ય પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ૪૫૦ થી વધુ વિદ્યાર્થીઓનું અંતિમ ઇન્ટરવ્યૂ ૧૮ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન લેવાયું હતું. તેમાંથી ૬૦ ઉમેદવારોની અંતિમ પસંદગી કરવામાં આવી હતી. પાસ થયેલા વિદ્યાર્થીઓને સંસ્થાના ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ હર્ષદભાઈ માલાણી તથા ટ્રસ્ટીઓએ અભિનંદન પાઠવીને ઉચ્ચ કારકીર્દિની શુભેચ્છા પાઠવી છે. રાજકોટમાં શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે નિષ્ણાંત ફેકલ્ટીના માર્ગદર્શન હેઠળ, અતિ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા બિલ્ડિંગમાં ૬ હજારથી વધારે પુસ્તકની લાયબ્રેરી, વાંચનાલય તથા વાતાનુકુલિન વાતાવરણની સુવિધા સાથે વિદ્યાર્થીઓ નજીવી ફી ભરીને તાલીમ મેળવે છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ