સાંપ્રત આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ બાળકોની ઉજ્જવળ કારકિર્દી માટે શૈક્ષણિક તેમજ ધાર્મિક સંકુલોનું નિર્માણ કરી એક સરાહનીય સેવાભાવી કાર્ય કરી રહી છે. ભરૂચ તાલુકાના વરેડિયા ગામ નજીક આવેલી બાર વિંઘા ખેતરની જમીનમાં નિર્માણ પામનાર વિશાળ એજ્યુકેશન સિટીની જમીનની દાવતે ઇસ્લામી હિંદના નિગરાન સૈયદ આરીફ અલી બાપુએ સોમવારે સાંજે મુલાકાત લીધી હતી.
આયોજિત કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથીઓનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મુખ્ય વક્તા સૈયદ આરીફ અલી બાપુએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જો તમારી પાસે સંપત્તિ હશે પણ શિક્ષણ નહીં હોય તો કશું જ નથી જો આપણે આપણા બાળકોને સુશિક્ષિત બનાવીશું તો ઘણું બધું પ્રાપ્ત કરી શકીશું. શિક્ષણ વડે જ પ્રકાશ પ્રાપ્ત થશે. જીવન એ છે કે જે અન્ય માટે પ્રદાન કરી જીવન જીવે. એજ્યુકેશન સિટીમાં તમામ પ્રકારના ધાર્મિક તેમજ શિક્ષણલક્ષી સંકુલો નિર્માણ પામશે.
દાવતે ઇસ્લામી હિંદ દ્વારા ભરૂચ જિલ્લામાં સૌથી વિશાળ એજ્યુકેશન સિટીનું નિર્માણ કરાશે એમ તેઓએ જણાવ્યું હતું. નિર્માણ પામનાર એજ્યુકેશન સિટી માટે ગુલામભાઈ આદમભાઈ ઓફને બાર વિંઘા જમીન વિનામૂલ્યે દાનમાં આપી તે બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સલાતો સલામના પઠન અને દુઆ ગુજારી કાર્યક્રમનું સમાપન કરાયું હતું. આ પ્રસંગે દાવતે ઇસ્લામી હિંદના કાર્યકર્તાઓ તેમજ સેગવા ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
યાકુબ પટેલ : પાલેજ