ગુજરાત ખેડૂત સમાજ અને ભરૂચ ખેડૂત સમાજ દ્વારા વાલિયા ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહે કહ્યું હતું કે મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદા ખેતીને અને ખેડૂતોને ગુલામ બનાવશે.
તેમણે જણાવ્યું હતું કે આ કાયદા ખેડૂતોને લાભ થાય તો પણ તે થોડા સમયગાળા માટે જ હશે અને તે છેતરામણો છે. મોદી સરકાર આ કાયદા ખેડૂતોના લાભ માટે નહિ પણ દેશની અને વિદેશની મોટી કંપનીઓનાં લાભ માટે જ લાવી છે.
આવશ્યક ચીજવસ્તુ ધારામાં જે સુધારો કરવામાં આવ્યો છે તે અનાજ, કઠોળ, તેલ, તેલીબિયાં, બટાકા અને ડુંગળી જેવી ચીજોના ગમે તેટલા સંગ્રહ માટે છૂટ આપે છે. તેનાથી સંગ્રહખોરી વધશે, ભાવ વધશે અને દેશના ૧૩૮ કરોડ ગ્રાહકોને નુકસાન થશે. એપીએમસી બંધ થઈ જાય તેવો કાયદો અને કરારી ખેતી માટેનો જે કાયદો કરવામાં આવ્યો છે તે ખેડૂતોને જો કોઈ કંપની સાથે વિવાદ ઊભો થાય તો તેણે કલેક્ટર પાસે જવાનું. કલેક્ટર જે ચુકાદો આપે તે આખરી ગણાશે એમ આ બંને કાયદા કહે છે. ખેડૂત કોઈ અદાલતમાં જઈ શકે નહિ એમ આ બંને કાયદા જણાવે છે. હેમંતકુમાર શહે જણાવ્યું કે આ બાબત તો નાગરિકના લોકશાહી અધિકાર પર જ ઘા કરે છે. આ તો સરમુખત્યારી છે.
હેમંતકુમાર શાહે કહ્યું કે દુનિયાની ૧૦ કંપનીઓ ખેતપેદાશો અને ખેતી માટે જરૂરી ચીજોના વેપાર પર કબજો ધરાવે છે. તેઓ ભારતમાં આવશે અને ભારતની ખેતી પર ઈજારો ઊભો કરશે. દેશ આ રીતે વધુ આર્થિક રીતે ગુલામ બનશે.
વાલિયા પોલિટેક્નિક કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા. હેમંતકુમાર શાહે વધુમાં એમ કહ્યું હતું કે મોટી કંપની સામે એક નાનો ખેડૂત કે બધા ખેડૂતો ભેગા થઈને પણ કેવી રીતે લડી શકશે? મોદી સરકાર ખેડૂતો સાથે નિર્દયી રીતે વર્તી રહી છે એમ જણાવીને હેમંતકુમાર શાહે કહ્યું કે સરકારનું વર્તન તદ્દન લોકશાહી વિરોધી છે. આ કાર્યક્રમમાં સંદીપ માંગરોલા, મહેન્દ્રસિંહ કરમરીયા, બદ્રીભાઈ જોશી, રમેશભાઈ પટેલ સહિત ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યુ હતું.