– તૂટી ગયેલા કાંસ ઉપરથી પસાર થતા બે વૃદ્ધો કાંસમાં ખાબકી જતા બેના મોત બાળકીને માથાના ભાગે ઇજા…
– સમગ્ર વિસ્તારમાં કાંસનું સ્લેબ ધસી પડતાં બાળકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ..
– પ વર્ષમાં નગરસેવકોએ આ વિસ્તારમાં ડોકયુ સુદ્ધાં ન કર્યું હોવાનું મતદારોનો હુંકાર..
સમગ્ર ભરૂચ શહેરમાં ચૂંટણી ટાણે કેટલાય વિસ્તારના લોકોને માળખાકીય સુવિધા ન મળી હોવાના કારણે વિરોધનો વંટોળ મતદારોમાં જોવા મળી રહ્યો છે ત્યારે ભરૂચના પાન ખાડી વિસ્તારમાં મુખ્ય કાંસની લાઈના સ્લેબ ઉપર ઠેક ઠેકાણે તૂટી પડવાના કારણે મકાનોને નુકસાન થવા સાથે વૃદ્ધો અને બાળકો કાંસમાં ખાબકી જવાના કારણે ઇજાગ્રસ્ત બનવા સાથે જીવ પણ ગુમાવી રહ્યા હોવાના કારણે ચૂંટણી ટાણે જ વિસ્તારના લોકોએ નગર સેવકો સામે ભારે આક્રોશ ઠાલવ્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર કરતાં બેનરો લગાવી વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
જુના ભરૂચમાં આવેલા હાથીખાનાના પાનખાડી વિસ્તારમાં સમગ્ર ભરૂચનું પાણી નર્મદા નદી સુધી પહોંચતી મુખ્ય કાંસ ઉપર સ્લેબ ભરવામાં આવ્યો હતો પરંતુ આ સ્લેમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સ્લેબમાં લોખંડના સળીયા ઓછા તથા સિમેન્ટ કંપનીનો ઉપયોગ ન થયો હોવાના કારણે સમગ્ર સ્લેબ ઠેકાણે ધસી પડ્યો છે અને કેટલાય લોકોના મકાનોને ઘટના સ્થળે ધસી પડવાના કારણે નુકસાન થઈ રહ્યું છે. તદુપરાંત ખુલ્લી જગ્યામાં રહેતા આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે અંધાર પટમાં પણ વૃદ્ધો અને બાળકો ગટરોમાં ખાટકી રહ્યા છે જેમાં બે વૃદ્ધોએ ગટરમાં ખાબકી જવાના કારણે હાથ અને પગ ફેક્ચર થવાના કારણે સારવાર દરમ્યાન જીવ પણ ગુમાવ્યા છે ત્યારે તાજેતરમાં જ એક માસૂમ બાળક ખાબકી જવાના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જ્યાં તેણે ટાંકા લેવાની ફરજ પડી હતી ત્યારે બાળકોને ઘરમાંથી નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે ત્યારે સમગ્ર કાંસા વિસ્તારના લોકો માટે મોત સમાન સાબિત થઇ રહ્યું હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિકોએ પણ ચૂંટણી ટાણે જ વિરોધનો વંટોળ ઊભો કર્યો છે.
ભરૂચ નગરપાલિકામાં કરોડો રૂપિયાના વિકાસનાં કામો થયા હોવાના બણગા ફૂંકી રહ્યા છે પરંતુ સાચા અર્થમાં નગરપાલિકાના સત્તાધીશો ૧ થી૧૧ વોર્ડના વિવિધ વિસ્તારોમાં નિરીક્ષણ કરે તો ખબર પડે કે ખરેખર ભરૂચના શહેરી વિસ્તારોમાં વિકાસના કામો કેટલા થયા છે ભરૂચના કેટલાય વિસ્તારો આજે પણ વિકાસથી વંચિત રહ્યા છે અને મતદારોને પણ ચૂંટણી ટાણે જ મત લેવા આવતા લોકોને સબક શીખવાડવાનો સમય લાગતો હોય છે અને તે હવે ફરી એકવાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદારોનો ગુસ્સો પણ દિવસેને દિવસે આસમાને પહોંચી રહ્યો છે.
ભરૂચના પાનખાડી વિસ્તારમાં ખુલ્લી કાંસ કે જ્યાં ઠેકઠેકાણે સ્લેબ ધસી પડ્યા છે તે કાંસમાં વરસાદ ટાણે સમગ્ર કાંસ પાણીથી ભરપૂર જોવા મળતી હોય છે અને આમાં જો કોઈ બાળક પડી જાય તો એ બાળક સીધું નર્મદા નદીના કાંઠે નીકળે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સ્થાનિકોએ પણ ચૂંટણી ટાણે જ કાંસ બનાવવાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે પાનખાડી વિસ્તારની કાંસનું કામ નહીં થાય તો આ વિસ્તારમાં કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં નહીં આવે તેવી ચીમકી સાથે મત લેવા આવનારાઓને વિલા મોઢે પરત ફરાવીશું તેવો હુંકાર પણ મતદારો કરી રહ્યા છે.