કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ કેન્દ્ર સરકારના નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લાને સર્વાંગી પરિવર્તન માટે મહત્વાકાંક્ષી (Asprirational) જિલ્લા તરીકેની કરાયેલી ઘોષણા અન્વયે અન્ય જિલ્લાઓની સરેરાશ સરખામણીમાં શિક્ષણ, આરોગ્ય, કૃષિ-સિંચાઇ અને પશુપાલન, પોષણ, નાણાંકીય સમાવેશ અને કૌશલ્ય વિકાસ તેમજ માળખાકીય સુવિધાઓ ક્ષેત્રે નિયત પેરામીટર મુજબ સર્વાંગી વિકાસ થાય તે માટેનો સમયબધ્ધ “એકશન પ્લાન” ઘડી કાઢવા “ટીમ નર્મદા” ને સુચના આપી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.આર. ધાકરે, ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેશ પરમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયા, પ્રાયોજના વહિવટદારશ્રી બી.વી. બારીયા, જિલ્લા આયોજન અધિકારીશ્રી આઇ.કે. પટણી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં ગઇકાલે સાંજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી બેઠકને સંબોધતા શ્રી કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ નીતિ આયોગ દ્વારા નર્મદા જિલ્લા માટે ખાસ લક્ષ કેન્દ્રિત કરવાની બાબતો પ્રત્યે “ટીમ નર્મદા” ને વિશેષ કાળજી રાખવાનો અનુરોધ કરતા જે તે વિભાગના જિલ્લાના વડાશ્રીઓને સરકારી સેવાઓની સાથોસાથ રાષ્ટ્ર પ્રત્યે એક કર્તવ્યના ભાગીદાર તરીકે અને પોતાની અંગત જવાબદારીરૂપે સ્વયંનું (પોતાનું) ગર્વ વધે તેવી વિભાવના સાથે ફરજો અદા કરવાનો ખાસ અનુરોધ કર્યો હતો.
કેન્દ્રિય કૃષિ મંત્રીશ્રી પુરૂષોત્તમભાઇ રૂપાલાએ આ બેઠકમાં જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉક્ત જુદા જુદા વિષયો સંદર્ભે તૈયાર કરાયેલા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રજુ કરાયેલી તલસ્પર્ષી વિગતોની જાણકારીની સાથોસાથ જિલ્લામાં ખાસ લક્ષ કેન્દ્રિત કરવા માટેના ઉક્ત ક્ષેત્રોમાં દેશ અને રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ નર્મદા જિલ્લો પણ નીતિ આયોગના નિયત માપદંડની જેમ શ્રેષ્ઠત્તમ રીતે વિકાસ પામે તે માટે રજુ કરાયેલા રચનાત્મક સુચનોની પણ જાણકારી મેળવી હતી અને જિલ્લા દ્વારા તૈયાર થનારો “એકશન પ્લાન” વધુ અસરકારક અને પરિણામલક્ષી બની રહે તે માટે મંત્રીશ્રી રૂપાલાએ કેટલાક સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલાએ શિક્ષણમાં પ્રવેશપાત્ર તમામ ભૂલકાંઓ પ્રવેશ મેળવવાની સાથે ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા, આરોગ્યમાં માતા અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થાય તેવા પ્રયાસો, ગુણવત્તાસભર આરોગ્ય સુવિધા ઉપલબ્ધ થાય, પોષણ ક્ષેત્રે પૂરક પોષણ ઉપરાંત દુધ સંજીવની યોજનામાં જરૂરી ફેરફાર સાથે તેનો વ્યાપ વધારવા ઉપરાંત પોષણમાં સ્થાનિક રીતે જરૂરી અને યોગ્ય લાગે તેવી બાબતોનો ઉમેરો કરવાની સાથે તેના પરિવહનની વ્યવસ્થા સુનિશ્વિત કરવા, કૃષિ ક્ષેત્રે નિકાસ પામતા હોય તેવા કૃષિ અને બાગાયતી ખેતી માટેના પ્રયાસો થકી ખેડૂતોને પ્રોત્સાહિત કરવા, બિયારણ વગેરે માટેના વિતરકોની સંખ્યા વધારવા, ઓછા પાણીથી વધુ ઉત્પાદન મેળવાય તેવા પાકો તરફ ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ તરફ વાળવા પશુપાલનમાં દૂધાળા પશુઓની વૃધ્ધિ સાથે દુધ ઉત્પાદનમાં વધારો થાય તે રીતના પશુપાલનનો વિકાસ કરવા, કોમર્શીયલ બેંકો દ્વારા બેંકવાઇઝ ધિરાણનો તાગ મેળવવા, કૌશલ્ય વિકાસ માટે જિલ્લાની બાકી રહેતી આઇટીઆઇ સંસ્થામાં કૌશલ્યવર્ધન કેન્દ્રો શરૂ કરવા ઉપરાંત માળખાકીય સુવિધાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, રોડ કનેક્ટીવીટી વિજ સુવિધા અને પીવાના પાણી વગેરે જેવી દિશામાં જરૂરી કાર્યવાહી હાથ ધરવાની પણ તેમણે સુચના આપી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ નીતિ આયોગ દ્વારા ચાલુ માસના પ્રથમ સપ્તાહમાં નવી દિલ્હી ખાતે યોજાયેલા વર્કશોપમાં દેશના જુદા જુદા જિલ્લાઓના જિલ્લા કલેક્ટરશ્રીઓની ગૃપ ચર્ચાના મુદ્દાઓ અને વડાપ્રધાનશ્રી સમક્ષ રજુ થયેલી બાબતોની જાણકારી આપી હતી અને ઉક્ત બેઠકમાં કેન્દ્રિય મંત્રીશ્રી રૂપાલા તરફથી કરાયેલા સુચનો મુજબ જિલ્લાનો એકશન પ્લાન ઘડી કાઢીને તે મુજબના અમલથી “ટીમ નર્મદા” આ જિલ્લાને સર્વાંગી પરિવર્તન સાથે અન્ય જિલ્લાની સરેરાશ હરોળમાં લઇ જશે તેવી પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.