ભરૂચ નગરપાલિકા અને પંચાયતની સ્થાનિક ચૂંટણીને અનુલક્ષીને ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીનાં સાઉથ ઝોનનાં સંગઠન મંત્રી હરેશ જોગરાણાએ જણાવ્યુ હતું કે જો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તો તેમની પાર્ટી દ્વારા જનતાને સુખાકારી ભર્યું શાસન આપવામાં આવશે તે સહિતનાં મુદ્દે વિસ્તૃત વિગતો મીડિયા સમક્ષ આપવામાં આવી હતી.
જો આ વર્ષે યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિજય થશે તો આગામી સમયમાં ગુજરાતમાં વિનામુલ્યે શિક્ષણ, આરોગ્ય અને સુખાકારી માટે ઘેર-ઘેર દવા વિતરણ, વૃદ્ધ પેન્શનમાં વધારો, વિધવા પેન્શનમાં પણ વધારો અને અન્ય આધાર કાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ જેવી 100 જેટલી જરૂરી કચેરીઓને લગતી સેવાઓ જનતાને પૂરી પાડશે. ઉપરાંત ડોર ટુ ડોર ઘરે બેઠા દરેક જરૂરિયાતમંદને રાશન પણ પહોંચાડવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
આ ઉપરાંત આમ આદમી પાર્ટીમાં સંગઠન મંત્રીએ જણાવ્યુ હતું કે આજે જે સિસ્ટમ છે તે ભાજપ સરકારની સડેલી સિસ્ટમ છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમિત શાહનાં રબ્બર સ્ટેમ્પ જણાવી ભાજપાનાં શાસનમાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. ખેડૂતો બે મહિનાથી રસ્તા પર છે તો શિક્ષિત બેરોજગારી પણ વધી છે. ગુજરાતમાં શિક્ષણનો વેપલો ચાલે છે, તમામ સરકારી શાળા બંધ કરવામાં આવી છે આથી જો આ સ્થાનિક ચૂંટણીમાં જે આમ આદમી પાર્ટીમાં જોડાશે અને આમ આદમી પાર્ટી સત્તા સ્થાને ચાલશે તો ભાજપ સરકારની તોડ-ફોડવાળી સરકાર અને સડેલી સિસ્ટમથી લોકોને મુક્તિ મળશે. આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર અને ઈમાનદાર વ્યક્તિ હશે. અમારા સંગઠન અને વિશ્વાસમાં રહી ઈમાનદારી પૂર્વકની કામગીરી કરવામાં આવશે. આ સહિતનાં મુદ્દે આમ આદમી પાર્ટી જો આગામી ચૂંટણીમાં જીતશે તો જન સુખાકારીનાં કાર્યો કરવાનું વચન આપ્યું છે.