ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ અને એલ.સી.બી પોલીસે ગુજરાત, આંધ્રપ્રદેશ, હૈદરાબાદ તથા અન્ય રાજ્યોમાં એ.ટી.એમ કાર્ડ કલોન કરી ડુપ્લીકેટ એ.ટી.એમ કાર્ડ બનાવી લોકોના બેંકના એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ઉપાડી લેતી આંતરરાજ્ય યુ.પી.ની પ્રતાપગઢની ગેંગને ઝડપી પાડી છે. પોલીસે સાત લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે પાંચની અટકાયત કરી ભરૂચ જિલ્લામાં બનેલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
તાજેતરમાં ગુજરાત રાજય સહિત ભરૂચ શહેર અને જિલ્લામાં એક ટોળકી દ્વારા એ.ટી.એમ કાર્ડ ક્લોન કરીને લોકોના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા હતા જેને શોધી કાઢવા માટે પોલીસ તંત્ર મહેનત કરી રહ્યું હતું ત્યારે આજરોજ ભરૂચ સાબર ક્રાઈમ બ્રાંચ પોલીસ તેમજ એલ.સી.બી પોલીસને આરોપીઓની ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. એટીએમ કાર્ડ કલોન કરી પૈસા ઉપાડતી ટોળકીને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ બેંક સાથે સંપર્ક કરી આરોપીનું પગેરું મેળવવા માટે પ્રયાસ કરી રહી હતી ત્યારે ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્ટથી સાયબર તથા એલ.સી.બી ની સંયુક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી ભરૂચથી દહેજ જતા હાઇવે ઉપર દેહગામ ત્રણ રસ્તા ખાતેથી પાંચ શકદારોને ઝડપી પાડયા હતા. પોલીસે તેમની તલાશી લેતા તેમની પાસેથી વિવિધ બેંકના ૩૦ જેટલા એટીએમ કાર્ડ તેમજ એટીએમ કાર્ડ ક્લોન કરવા માટેના સાધનો મળી આવ્યા હતા. જ્યાર બાદ પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી ઊંડાણ પૂર્વક તપાસ કરી ક્રોસ ઇન્ટ્રોગેશન કરતાં શકદારોએ કેફિયત જણાવેલ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરત તથા હૈદરાબાદ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશમાં ઘણા બધા લોકોના એ.ટી.એમ કાર્ડ કલોન કરી અલગ અલગ જગ્યાએથી રૂપિયા ઉપાડી ગુનાઓ આચરેલ હોવાની હકીકત અને હાલના સુરતના મિત્રની mahindra xuv ગાડી લઇ દહેજ ખાતે એ.ટી.એમ કાર્ડ કલોનીંગ કરવા જતા હતા દરમિયાન પકડાઈ ગયેલ હોવાની કબૂલાત કરી હતી.
પોલીસે ઝડપી પાડેલ પાંચ આરોપીઓમાં
(૧) રાજેશકુમાર હરિલાલ સરોજ
(૨) બબલુ છોટેલાલ સરોજ
(૩) રણજીત કુમાર ધર્મરાજ સરોજ
(૪) રામકિશોર રામસુખ ગૌતમ
(૫) રણજીતકુમાર કમલેશકુમાર સરોજ
ની અટકાયત કરી તેમની પાસેથી રોકડ રકમ, લેપટોપ, એક ગાડી, એ.ટી.એમ ક્લોનિંગ રાઇટર ડિવાઇસ, અલગ અલગ કંપનીના 10 મોબાઇલ મળી ૭,૭૦,૮૪૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ : બેંક એકાઉન્ટમાંથી ATM ક્લોનીંગ કરી નાણાંની ઉચાપત કરતી ગેંગને ઝડપી પાડતી પોલીસ, લાખોનો મુદ્દામાલ કબ્જે, જાણો વધુ.
Advertisement