– ઉત્તરાયણના તહેવાર બાદ શરૂ થતા શુભ મુહૂર્તોથી વેક્સિનેશનનો પ્રારંભ થયો….
– વાગરા સી.એચ.સી અને માતર પી.એચ.સી.માં પણ વેકસીનેશન શરૂ..
ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાની વેક્સિનનું બુધવારની રાત્રે આગમન થઇ ગયું હતું. જિલ્લાના વિવિધ કેન્દ્ર પર વેક્સિનનો જથ્થો પહોંચાડયા બાદ આજે શનિવારે જિલ્લામાં ત્રણ સ્થળે પ્રથમ તબક્કાના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી.
ભરૂચ શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં પણ આજરોજ સવારે વેકસીનેશન કાર્યક્રમની શરૂઆત ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ અને કલેક્ટર એમ.ડી.મોડીયાનાં અધ્યક્ષ સ્થાને કરવામાં આવી.
ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, “કોરોના મહામારીની સામે લડતા લડતા લોકોના જીવ બચાવતા કેટલાય તબીબો અને તબીબી આલમના કર્મચારીઓએ પોતાના દેહનું બલિદાન આપ્યું છે. એવા તમામ તબીબો અને કર્મચારીઓને હું નતમસ્તક વંદન કરું છું, અને શ્રધ્ધાંજલિ પાઠવું છું. હવે દેશના વૈજ્ઞાનિકોએ અને ડૉક્ટરોએ કોરોના સામે લડવા માટે વેક્સિનની શોધ કરી લીધી છે, ત્યારે આ પ્રસંગે હું તમામનો આભાર માનું છું.”
ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, કલેક્ટર એમ.ડી.મોડીયા, આઈ.એમ.એ. પ્રેસિડેન્ટ ડૉ.દુષ્યંતભાઈ વરિયા, સિવિલના સી.ડી.એમ.ઓ એસ.આર.પટેલ, મેડિકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ બી.બી. પંડ્યા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, નગર પાલિકાના પૂર્વ પ્રમુખ દક્ષાબેન પટેલે વેકસીનેશન કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બુધવારની રાત્રે રાજ્ય સરકારમાંથી 12,480 જેટલો વેક્સિનનો જથ્થો આવી ગયો છે. આજે પ્રથમ તબક્કામાં જિલ્લાભરના આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલાં કર્મીઓને વેક્સિનેશન આપવામાં આવનાર છે. ત્યારે વેક્સિનેશન માટે જિલ્લામાં 7 કેેન્દ્ર તૈૈયાર કરવામાં આવ્યાં છે. જે પૈકી આજરોજ 3 કેન્દ્ર ખાતે 300 કર્મીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ, વાગરા તાલુકામાં સી.એચ.સી ખાતે તેમજ આમોદ તાલુકામાં માતર ગામે વેક્સિનેશનનો પ્રથમ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરા ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ માતર પી.એચ.સી ખાતે સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.