– માસ્ક વિના કોઈપણ વ્યક્તિને મકાન/ ફ્લેટના ધાબા/ અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહીં.
તા.૧૪-૧૫/૦૧/૨૦૨૧ ના રોજ ઉત્તરાયણ તથા વાસી – ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. સામાન્ય સંજોગોમાં ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારની ઉજવણી માટે ધાબા, અગાસીઓ તેમજ ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાથી કોરોના સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી, રાજ્યમાં હાલમાં પ્રવર્તમાન COVID-19 ની પરિસ્થિતિને ધ્યાને લઈ, ગૃહ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા વંચાણના હુકમથી તા.૦૯/૦૧/૨૦૨૧ થી તા.૧૭/૦૧/૨૦૨૧ સુધી ઉત્તરાયણ તથા વાસી ઉત્તરાયણના તહેવારને લગતી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે.
કોવીડ-૧૯ ને અનુલક્ષીને નર્મદા જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એ.શાહે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ ની કલમ-૩૪ અન્વયે તા.૧૨/૦૧/૨૦૨૧ થી તા.૧૭/૦૧/૨૦૨૧ સુધી ઉત્તરયાણ તથા વાસી ઉત્તરાયણના તહેવાર દરમ્યાન નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં નીચે મુજબની સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવા માટે હુકમ ફરમાવ્યો છે.
તદ્દઉપરાંત, કોઈપણ જાહેર સ્થળો / ખુલ્લા મેદાનો / રસ્તાઓ વગેરે પર એકત્રિત થઈ શકાશે નહીં તેમજ પતંગ ચગાવી શકાશે નહીં. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યું છે. માસ્ક વિના કોઈપણ વ્યક્તિને મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઈ શકશે નહીં. ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે. મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવાનો રહેશે નહીં. ફ્લેટ / રહેણાંક સોસાયટી સંબંધિત કોઈપણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી/ ફ્લેટના સેક્રેટરી / અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરૂધ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
તેવી જ રીતે, મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે. મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર, ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે. ૬૫ વર્ષથી વધુ વયના વયસ્ક વ્યક્તિઓ, અન્ય રોગોથી પીડીત વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રીઓ અને ૧૦ વર્ષથી ઓછી વયના બાળકો ઘરે રહે તે સલાહભર્યું છે. કોઈપણ વ્યક્તિ જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઈ પણ પ્રકારના લખાણો / સ્લોગન / ચિત્રો પતંગ પર લખી શકશે નહીં.
સુપ્રિમ કોર્ટ / હાઈકોર્ટ તથા NGT ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન, ચાઇનીઝ તુક્કલ, સ્કાય લેન્ટર્ન, સિન્થેટીક / કાચ પાયેલા માંઝા, પ્લાસ્ટીક દોરી વિગેરે પર પ્રતિબંધ રહેશે. આ અંગે ગૃહ વિભાગના તા.૨૯/૧૨/૨૦૨૦ના પત્ર ક્રમાંક: વિ-૨/ડી.એસ.એમ./૧૩૨૦૧૬/હા.કો.૦૨(પા.ફા.)થી તથા અત્રેની કચેરીના જાહેરનામા ક્રમાંક: એમ.એ.જી./જાહેરનામું/વશી/ ૨ થી ૨૯/૨૦૨૧, તા.૦૧/૦૧/૨૦૨૧થી અપાયેલ સૂચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
તેવી જ રીતે, જે વ્યક્તિઓ જિલ્લામાં આવેલ પતંગ બજારની મુલાકાત લે ત્યારે COVID-19 સંબંધી દિશાનિર્દેશો (Protocol)નો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે. COVID-19 સંદર્ભ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા / માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. ગૃહ વિભાગના તા.૦૯/૧૦/૨૦૨૦ ના હુકમ ક્રમાંક: વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨થી આપવામાં આવેલ દિશાનિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
ઉપરોક્ત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલીંગ રાખવાનું રહેશે તથા જરૂરિયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી. મારફતે પણ સર્વેલન્સ રાખવાનું રહેશે. આ જાહેરનામું નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.આ જાહેરનામાની અમલવારી તા.૧૨/૦૧/૨૦૨૧ ના ૦૦.૦૦ કલાકથી તા.૧૭/૦૧/૨૦૨૧ ના ૨૪.૦૦ કલાક સુધી કરવાની રહેશ
આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી