– લાલ બજારની હેડ પોસ્ટ ઓફિસની પાછળના વિસ્તારના લોકો રસ્તા ઉપર..
– વિસ્તારમાં માળખાકીય સુવિધાના અભાવે સ્થાનિકોએ તંત્ર સામે બાંયો ચડાવી..
– સમગ્ર આર.સી.સી રસ્તો તુટી જવાના કારણે સ્ટ્રીટ લાઇટના અભાવે મોડી રાત્રીએ લોકો ઉપરથી નીચે ખાબકી ઇજાગ્રસ્તો બની રહ્યા છે..
– વિસ્તારના પ્રવેશદ્વાર નજીક ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કરવામાં આવશે..
– મોત મૈયત થતાં અંતિમ યાત્રા કઢવી પણ મુશ્કેલીઓ પડી રહી હોવાના સ્થાનિકોએ કર્યા આક્ષેપો..
– અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો પોતાનાં વાહનો સાથે નીચે ખાડીમાં ખાબકયા હોવાના આક્ષેપ..
ભરૂચ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે પરંતુ કેટલાય વિસ્તારો આજે પણ માળખાકીય સુવિધાથી વંચિત રહ્યા છે જેના પગલે ભરૂચના લાલબજાર વિસ્તારમાં આવેલ હેડ પોસ્ટ ઓફિસની પાછળ નર્કાગાર સ્થિતિમાં જીવતા લોકોએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે સુવિધા નહીં તો મત નહીં તેવા હુંકાર સાથે ઉમેદવારોએ વિસ્તારમાં પ્રવેશ મેળવવાની ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ભણકારા વાગી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ બાદ ચૂંટણીની તારીખો નક્કી થાય તેવા અણસારો દેખાય રહ્યા છે જેના પગલે કેટલાય વિસ્તારો આજે પણ માળખાકીય સુવિધાઓથી વંચિત હોવાના કારણે ચૂંટણી પહેલાં ભર શિયાળે વિવિધ વિસ્તારોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે એક પછી એક વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કારના એલાનની ચિમકી ઉચ્ચારવામાં આવી રહી છે ત્યારે ભરૂચના વોર્ડ નંબર 10 માં આવેલા લાલ બજારની હેડ પોસ્ટ ઓફિસની પાછળનો સલ્મ વિસ્તારનો આર.સી.સી રસ્તો ઘણા સમયથી તૂટેલી અવસ્થામાં રહેલો છે અને સમગ્ર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અભાવે મોડી રાત્રિએ તૂટેલા રસ્તાઓ પરથી પસાર થતા વાહનચાલકો પોતાના વાહન સાથે નીચે ખાડીમાં ખાબકી જવા સાથે કેટલાયે લોકો ઈજાગ્રસ્ત પણ બની ગયા છે. વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરતા હોવાના પગલે હવે સ્થાનિકોએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે જ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે.
ગંદકીના સામ્રાજ્ય વચ્ચે જીવતા લોકોએ આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં મત નહિ આપવાનો હુંકાર કર્યો છે વિસ્તારમાં અત્યાર સુધી કોઈ માળખાકીય સુવિધા પૂરી પાડવામાં ન આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે તદુપરાંત આ વિસ્તારમાં કોઈ મૃત્યુ પામે તો તેમની અંતિમયાત્રા લઈ જવા માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તદુપરાંત આ વિસ્તારમાં રીક્ષા એમ્બ્યુલન્સ પણ ન આવતી હોવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેના પગલે સ્થાનિકોએ આવનારી નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સાથે રસ્તા ઉપર ઉતરી આવી આક્રોશ ઠાલવ્યો હતો.