– ઝુંપડપટ્ટી કરતા બદતર અવસ્થામાં જીવન વિતાવતા રાજીવ આવાસના લોકો રસ્તા ઉપર.
– નવા મકાનો આપવાની માંગણી સાથે લાભાર્થીઓએ કલેક્ટર કચેરી ગજવી મૂકી.
– રાજીવ આવાસના મકાનોમાં નેતાઓ 24 કલાક વિતાવે તેવી રાજીવ આવાસના લાભાર્થીઓની ચીમકી.
ભરૂચ નગરપાલિકા સંચાલિત રાજીવ આવાસ યોજનાનાં મકાનો બદતર હાલતમાં જોવા મળી રહ્યા છે અને કેટલાય મકાનોમાં મળમૂત્ર ટપકતા હોવાના કારણે લોકોને અંદર રહેવુ મુશ્કેલ થઈ ગયું છે જેને કારણે ભરૂચની હિન્દુસ્તાન નિર્માણ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આગેવાનીમાં રાજીવ આવાસ યોજનાના લાભાર્થીઓને તેઓના મકાનમાં સુધારો કરવા સાથે ભરૂચના નેતાઓ માત્ર ચોવીસ કલાક રાજીવ આવાસનાં મકાનોમાં દિવસ વિતાવે તેવી માંગણી સાથે રાજીવ આવાસ યોજનાનાં લોકોએ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી હતી.
ભરૂચના શક્તિનાથ નજીક જે.બી મોદી પાર્ક નજીક આવેલ રાજીવ આવાસ યોજના બદતર અવસ્થામાં જોવા મળી રહી છે. રાજીવ આવાસ યોજનાનાં મકાનોમાં મળમૂત્ર ટપકતું હોવાના કારણે લાભાર્થીઓને ઘરમાં રહેવું પણ મુશ્કેલ પડી ગયું છે. વારંવાર ભરૂચ નગરપાલિકાને રજૂઆત કરવા છતાં ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ કે પદાધિકારીઓના પેટનું પાણી ન હાલતા લાભાર્થીઓએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યા બાદ ભરૂચની હિન્દુસ્તાન નિર્માણ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના હોદ્દેદારોએ આગળ આવી રાજીવ આવાસ યોજનાની મુલાકાત લઇ રાજીવ આવાસ યોજનાના મકાનમાં રહેતા લોકોની સ્થિતિ જોઈ સમગ્ર લાભાર્થીઓને ન્યાય મળે તે હેતુથી હિન્દુસ્તાન નિર્માણ દળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની આગેવાનીમાં રાજીવ આવાસમાં રહેતા લોકો સાથે ભરૂચ કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી.