ભરૂચ જીલ્લાનાં વાલિયા ગામમાં આજે ખાણ ખનીજ વિભાગનાં અધિકારી દ્વારા ગેરકાયદેસર રીતે ચાલતું માટી ખનન રોકવામાં આવ્યું છે અને ખેતર લાયક જમીનમાં ખાડા ખોડી ગેરકાયદેસર રીતે કરવામાં આવતી કામગીરી ખાણ ખનીજ વિભાગનાં અધિકારીએ સીઝ કરી છે.
મળતી માહિતી અનુસાર આજે ભરૂચ જીલ્લાનાં ખાણ ખનીજ વિભાગનાં અધિકારી રાજપરા દ્વારા વાલિયા ગામમાં તપાસ કરતાં માલૂમ પડયું કે ગેરકાયદેસર રીતે માટીનું ખનન થતું હોય જે બાબત ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે ખાણ ખનીજ વિભાગ દ્વારા 2 જે.સી.બી. અને 1 ટ્રક ઝડપી લઈ કામગીરીને સીઝ કરવામાં આવી છે. તેમજ અહીં આ કામગીરીનાં સ્થળ પર ખાણ ખનીજ વિભાગની ટીમ પહોંચી ત્યારે તુરંત જ ખેતર લાયક જમીનમાં ખાનગી રહે કામ કરનાર લોકો નાસી છૂટયા હતા આથી ખાણ ખનીજ વિભાગનાં અધિકારીએ અહીંથી 2 જે.સી.બી. અને 1 ટ્રક ઝડપી લઈ પોલીસ ખાતામાં જમા કરાવેલ છે. આ કામગીરી બાદ જે.સી.બી. અને ટ્રકનાં માલિકને નોટિસ પાઠવવામાં આવશે તેમજ હાલનાં તબક્કે ખેતર લાયક જમીનમાં ગેરકાયદેસર રીતે માટી ચોરી કોણ કરી રહ્યું હતું તે સહિતનાં સવાલો ઉઠયા છે.
અહીં નોંધનીય છે કે તાજેતરમાં ભરૂચનાં જંબુસરમાં માટી ચોરીનું કૌભાંડ પકડાયું હતું તેની વધુ તપાસ હજુ થઈ નથી ત્યાં તો ભરૂચનાં વાલિયા ગામમાં ફરી એક કૌભાંડનો ખાણ ખનીજનાં અધિકારી દ્વારા પર્દાફાશ કરવાં આવ્યો છે. આખરે કયાં હેતુસર સમગ્ર ભરૂચમાં ખાનગી રાહે માટી ચોરી કૌભાંડો થઈ રહ્યા છે. હાલ લોકમુખે એવું ચર્ચાઇ રહ્યું છે કે કોઈ મોટા નેતા કે રાજકારણીનાં ઇશારે ગેરકાયદેસર રીતે માટીનું ખનન થતું હોય તેવું લાગે છે. ભરૂચ જીલ્લામાં ખાણ ખનીજ વિભાગનાં અધિકારી રાજપરાની રાહબરી હેઠળ આગામી સમયમાં નર્મદા નદી પાસે આવેલ નંદ ગામમાં તપાસનાં આદેશો કરવામાં આવ્યા છે.