ભરૂચ જીલ્લાનાં જંબુસરનાં મહાપરા ગામમાં માટીનું મસમોટું કૌભાંડ ઝડપાયું છે. માટીનું આ ખોદકામ કયાં હેતુસર કરવામાં આવી રહ્યું હતું ? તેમજ કોના કહેવાથી અહીં સર્વે નંબર.38 અ/બ માં માટીનું ખોદકામ કરાઇ રહ્યું હતું. આ તમામ બાબતો નો તાગ મેળવવા ભરૂચનાં ખાણ ખનીજ વિભાગનાં અધિકારીઓ કામે લાગ્યા છે.
ભરૂચ જીલ્લાનાં જંબુસરનાં મહાપરા ગામમાં માટીનું કૌભાંડ ઝડપાતા અહીંથી ટ્રેકટર અને જે.સી.બી. કબ્જે કરી ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી કાઢતા આવા તત્વો સામે ગુનો દાખલ કરી નોટિસ મોકલવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે.
ભરૂચમાં હાલ ખાણ ખનીજ વિભાગમાં રાજપરા નામના અધિકારી ફરજ બજાવી રહ્યા છે. તેમના ધ્યાનમાં જંબુસરમાં ગેરકાયદેસર રીતે થતું માટી ખનન ધ્યાનમાં આવતા તાત્કાલિક ધોરણે તેઓએ સ્થળ પર કામગીરી કરતાં કુલ 2 જે.સી.બી. અને 12 ટ્રેકટર ઝડપી લઈ આ માટીકામ કરતાં મશીનોના માલિકોને નોટિસ ફટકારી છે. તેમજ અહીં આ સર્વે નં. 38 અ/બ વાળી જગ્યાના મલીકને પણ નોટિસ પાઠવી આ કામગીરી હાલના તબક્કે સીઝ કરવામાં આવી છે. વધુમાં ખાણ ખનીજ અધિકારીએ જણાવ્યુ છે કે, જંબુસરનાં મહાપરામાં આસપાસમાં વસવાટ કરતાં અને ખાસ કરીને સર્વે નં.38 ની આજુબાજુમાં આવેલા ખાલી પ્લોટનાં માલિકોને પણ નોટિસ પાઠવવામાં આવશે. હાલ તમામ કામગીરીને સીઝ કરી ટ્રેકટર, જે.સી.બી. વગેરે પોલીસ ખાતામાં જમા કરાવાયા છે.
અહીં નોંધનીય છે કે સમગ્ર ભરૂચ જીલ્લામાં ઠેરઠેર ગેરકાયદેસર માટી ચોરીનાં કૌભાંડો ચાલી રહ્યા છે. આ માટી ચોરીનાં કૌભાંડો કયાં હેતુસર અને કોના કહેવાથી ચાલી રહ્યા છે ? તેવા અનેક પ્રશ્નો હાલ ચર્ચાનાં એરણે ચડયા છે, તો બીજી તરફ એવું ચર્ચાઇ છે કે કોઈ મોટા નેતા રાજકરણીનાં ઇશારાથી આ માટી કૌભાંડો કે ગેરકાયદેસર થતી માટીની ચોરી કરવામાં આવી રહી છે. કારણો જે હોય તે ભરૂચ ખાણ ખનીજ વિભાગનાં અધિકારી રાજપરા દ્વારા ગેરકાયદેસર થતી પ્રવૃતિને ડામવા આગામી સમયમાં કવાયત હાથ ધરવામાં આવનાર છે. ખાણ ખનીજ વિભાગ ભરૂચનાં અધિકારી રાજપરા ખુદ આ તમામ જગ્યાઓની મુલાકાત લેશે અને જયાં-જયાં માટીનું ગેરકાયદેસર ખનન થતું હશે તેને નોટિસો પાઠવશે અને સખત કાર્યવાહી કરશે તેવું પણ હાલ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.