– આગામી 48 કલાકમાં સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસુલાતનો નિર્ણય પરત નહિ લેવાય તો આંદોલનની ચીમકી.
– યુથ કોંગ્રેસ દ્વારા ટોલ ટેક્સ નાબુદીનો નિર્ણય નહિ થાય ત્યાં સુધી ટોલ નાકા પર આંદોલન કરીશું : શેરખાન પઠાણ.
ભરૂચના નેશનલ હાઇવે 48 ઉપર આવેલ મુલદ ટોલટેક્ષ પર હવે ભરૂચવાસીઓએ પણ ટોલ ચૂકવવો પડશે તેવા મુદ્દાને લઇ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વહીવટીતંત્રને લેખિત આવેદનપત્ર પાઠવી ટોલ વસૂલવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ કોંગ્રેસ દ્વારા ઉચ્ચારવામાં આવતા જિલ્લા વહીવટી તંત્રએ ઘટનામાં તપાસ શરૂ કરી છે.
ભરૂચમાં નેશનલ હાઇવે 48 ઉપર આવેલ મુલદ ટોલટેક્સ ઉપર હવે ભરૂચ જિલ્લાના લોકલ વાહનચાલકોએ પણ તેની જાન્યુઆરીથી ટોલ ચૂકવવો પડશે તે પ્રશ્નને લઈ હવે કોંગ્રેસ સમિતિએ પણ બાંયો ચઢાવી છે અને ભરૂચવાસીઓ કોઈપણ ભોગે ટોલટેક્સ નહીં ચૂકવે તેવી જીદ પકડીને આંદોલનનું રણશિંગુ ફૂંકી આના મૂળમાં આવી ગયા છે. ૧ લી જાન્યુઆરી 2021 ના રોજથી લોકલ ભરૂચવાસીઓનાં વાહનચાલકો પાસેથી ટોલ લેવામાં આવશે તો જિલ્લા કોંગ્રેસ સમિતિ અને યુથ કોંગ્રેસ દ્વારા આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે સમગ્ર કોંગ્રેસીઓએ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે દોડી આવી જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી ભરૂચ વાસીઓ પાસેથી વસૂલવામાં ન આવે તેવી માંગણી કરી છે અને ટોલ સ્વીકારવામાં આવશે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે કોંગ્રેસના જિલ્લા કલેકટરને લેખિત આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ નેશનલ હાઇવે ઓથોરિટીની ઓફિસ ઉપર ભરૂચ વાસીઓ પાસેથી ટોલનો લેવા અંગેની રજૂઆત કરવા જતા નેશનલ હાઇવે ઓથોરિટી અને કોંગ્રેસ વચ્ચે ભારે તું…તું…મે..મે ના દ્રશ્યો સર્જાયા હતા.
સદર આવેદનપત્ર પાઠવવા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, શેરખાન પઠાણ, સંદિપ માંગરોલા, રાજેન્દ્રસિંહ રણા, હેમેન્દ્ર કોઠીવાલા, વિક્કી શોખી, સમસાદ અલી સૈયદ, જ્યોતિબેન તડવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.