– દહેજમાં કેનેરા બેંકની બાજુમાં જ ઉપરના માળે આવેલા ATM ને કટ્ટરથી તોડાયું, કાળી બેગ લઈ આવેલ તસ્કર CCTV માં કેદ
– મધરાતે ATM માં તૈયારી સાથે ઘુસી શટર બંધ કરી, કેમેરાઓ પર તસ્કરે લગાવી ટેપ, ATM તોડતી ગેંગ કે મશીનના જાણકારનું કારસ્તાનનું અનુમાન.
શિયાળાની શરૂઆત સાથે જ તસ્કરો સક્રિય થઈ ગયા છે ખાસ કરી ATM ને નિશાન બનાવતી ટોળકી કે ATM ના જાણભેદુ પોતાનો ખેલ ખેલવા ઠંડીમાં મધરાતે મેદાને ઉતર્યા હોય તેવી ઘટના દહેજમાં મંગળવારે પ્રકાશમાં આવી છે.
દહેજમાં કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલી કેનેરા બેંકની બાજુમાં જ ખૂણામાં રહેલા બેંકના ATM ને તસ્કરોએ તોડયું હતું. બેંક, એટીએમ કે કોમ્પ્લેક્ષમાં સિક્યોરિટી ગાર્ડ નહિ હોવાનો લાભ ઉઠાવી રાતે 1 થી 3 કલાકના અરસામાં એક તસ્કર એટીએમ તોડવા માટે માથે કાળા રંગની ગરમ ટોપી, મોઢા પર માસ્ક અને કાળા રંગની બેગ સાથે ATM માં પ્રવેશ્યો હતો.
એટીએમમાં પ્રવેશી તસ્કરે સૌપ્રથમ શટર પાડી દેવા સાથે અંદર રહેલા કેમેરા ઉપર ટેપ લગાવી દીધી હતી. જોકે તે દરમિયાન બીજા સીસીટીવી કેમેરાઓમાં તસ્કરની ગતિવિધિઓ રેકોર્ડ થઇ ગઇ હતી.
પોતાની સાથે લાવેલ બેગમાંથી વિવિધ સાધનો અને કટ્ટર કાઢી તસ્કરે ATM તોડવાની કામગીરી આરંભી હતી. કટ્ટરથી એટીએમ તોડી વિવિધ નોટોની મુકાયેલ ટ્રે માં રહેલા રોકડા લઈ તસ્કર ફરાર થઈ ગયો હતો.
સવારે ATM તૂટ્યાની જાણ થતાં બેકનો સ્ટાફ સહિત દહેજ પોલીસ દોડતી થઈ ગઈ હતી. દહેજ પોલીસે સ્થળ પર આવી તપાસ આરંભી હતી. જેમાં બેંક અધિકારીઓને સાથે રાખી તપાસ કરતા એટીએમમાં માત્ર ₹22000 જ હોવાનું બહાર આવ્યું હતું.
દહેજ પોસઇ એ.જી ગોહિલ એ CCTV ફૂટેજ કબ્જે કરી બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવા સાથે તસ્કરને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
યર એન્ડમાં લાખો રૂપિયાની આશાએ ATM તોડનાર તસ્કરનો ટાર્ગેટ જાણે મશીનમાંથી 22000 જ રોકડ નીકળતા ખોટો પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. જોકે ઘટનામાં ATM તોડતી ટોળકીનો સાગરીત કે ATM મશીનનો જાણકાર નું જ આ કારસ્તાન હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાય રહ્યું છે.