ભરૂચ જીલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે ભેળસેળ યુક્ત તાડીનું વેચાણ જાહેરમાં થઈ રહ્યું છે. જીલ્લામાં હાલમાં અનેક સશક્ત યુવાનોનાં અચાનક જ મૃત્યુ થયા છે અને શંકા મુજબ આ તાડીનું સેવન જવાબદાર હોઈ શકે છે. વાલીઓ પોતાના સંતાનોનાં મૃત્યુનાં કારણો જાણતા હોવા છતા સામાજિક બદનામી ના ડરે આ બાબત જાહેર કરતા નથી. આ ગંભીર ઘટનાઓ બાબતે માહિતી મેળવતા જાણવા મળ્યું કે આ યુવાનોનાં મૃત્યુ પાછળ તાડીનાં સેવનની શંકાઓ વ્યક્ત કરાઈ હતી. આ તાડીમાં નશાયુકત કેમિકલ (ડ્રગસ) ભેળવવામાં આવે છે. જેનાથી શરીરના બ્રેઈન અને અન્ય અવયવો પર મોટું નુકશાન થાય છે.
હાંસોટ/અંકલેશ્વર તાલુકામાં ચાલતા તાડીના વેચાણનાં સ્થળોની માહિતી મેળવતા જાણવા મળ્યું કે હાલમાં (૧) હાંસોટ-કોસંબા રોડ પર આસ્તા ગામ પાસે, (૨) હાંસોટ-અલવા ગામ રોડ પર ડેરીની બાજુમાં, (૩) આસરમા (૪) વાસ્નોલી (૫) દિગસ (૬)અલવા (૭) મોટવાણ (૮) કડકિયા કોલેજની પાછળ (૯) જૂની દીવી (૧૦) સજોદ (૧૧) જુના હરીપુરા ગામમાં વેચાણ થઈ રહ્યું હોવાની માહિતી મળી છે. આ સિવાય પણ અનેક ગામોમાં વેચાણ થાય છે જે તપાસનો વિષય છે અને આ વેચાણ રાજ્ય બહારનાં વ્યક્તિઓ દ્વારા અને ગેરકાયદેસર રીતે એક મોટા કૌભાંડ સ્વરૂપે થતું છે. આપણા વિસ્તારમાં તાડીનાં જેટલા વૃક્ષો નથી એનાથી વધારે તાડી વેચાઈ રહી છે. જેથી આ કહેવાતી તાડીની શુદ્ધતા માટે શંકા છે. પરંતુ નશા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યું હોવાની લોકચર્ચા છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ આપણા જીલ્લાનાં અનેક આશાસ્પદ યુવાનોનાં થતા મૃત્યુનાં સમાચાર બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે જીલ્લામાં અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે તાડીનું વેચાણ થાય છે અને આ કહેવાતી તાડીમાં ભેળસેળ હોવાની શંકા છે. આ કારણે નશાનું સેવન કરનારા યુવાનો માટે આ ધીમું ઝેર સાબિત થાય છે જે ટુંક સમયમાં મૃત્યુ સુધી લઈ જાય છે. બહારથી સ્વસ્થ દેખાતા યુવાનોનું અચાનક મૃત્યુ થાય છે. વાલીઓ અને પ્રજાએ પણ આ બાબતે જાગૃત થવાની જરૂર છે. આ બાબતે અમારી ટિમ સાથે જીલ્લા વહીવટી તંત્રના લગતા વળગતા અધિકારીઓ ને રૂબરૂ/લેખિત ફરિયાદ કરી છે.