સમગ્ર શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ભરૂચ નગર પાલિકા ખાતેથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં ખુદ પાલિકા વેરા વસૂલી લોકોને પીવાનું પાણી પીરસે છે એ જ પાલિકાનાં સત્તાધીશો અને કર્મચારીઓ ખાનગી વોટર સપ્લાય એજન્સી પાસેથી વેચાણનું પાણી લઇ આરોગે છે.
નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ શહેરમાં પાણીની સમસ્યા વર્ષો જૂની છે, હાલમાં નર્મદા નિગમ પાસેથી વેચાતું પાણી લઇ શહેરનાં લોકોને પૂરું પાડવામાં આવી રહ્યું છે, તે મામલે પણ થોડા દિવસો અગાઉ એક જાગૃત નાગરિકે પાલિકા સામે કરોડોના ભ્રષ્ટાચારનાં આક્ષેપો કર્યા હતા,
વાત એટલેથી જ નથી અટકતી, ભરૂચ નગર પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ અને સત્તાધીશો શહેરમાં શુદ્ધ પાણી પહોંચાડવાના દાવા તો કરે છે પંરતુ તેઓની જ કચેરીમાં દિવા તળે અંધારું હોય તેમ ખાનગી વોટર સપ્લાય એજન્સી પાસેથી વેચાણથી પાણીનાં કુલર મંગાવતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે આખરે પાલિકાનાં કર્મચારીઓ અને અધિકારીઓને સામાન્ય જનતા પીવે છે તે પાણી કેમ ગળે નથી ઉતરતું ?સમગ્ર બાબત સામે આવ્યા બાદ વિપક્ષ પણ આક્રમણ બન્યું છે અને સત્તાધીશો પ્રહાર કર્યા હતા.
અમારી ટીમ જ્યારે ભરૂચ નગર પાલિકા ખાતે ખાનગી વોટર કુલર મામલે તપાસ કરવા પહોંચી ત્યારે ખબર પડી કે પક્ષનાં નેતાની ઓફીસ, તેમજ ખુદ વોટર વર્કસ શાખા જયાંથી આખા શહેરમાં પાણી પહોંચાડવા માટેની જવાબદારીઓ લેવામાં આવે છે ત્યાંના કર્મચારીઓ ખુદ ખાનગી પાણીની બોટલ અને કુલરનો ઉપયોગ કરે છે તેમ સ્પષ્ટ કેબિનનાં કેદ થયેલા દ્રશ્યો પરથી લાગી આવ્યું હતું,
પાલિકા કચેરીમાં જ પ્રજાના લાખ્ખોનાં ખર્ચે વસાવેલું અને કાર્યરત અવસ્થામાં મુકવામાં આવેલ આર.ઓ પ્લાન્ટનું ઠંડુ અને સ્વસ્થ પાણી ખુદ પાલિકાના જ કર્મીઓ પીવામાં આળસ દાખવી રહ્યા છે.
સમગ્ર મામલે જ્યારે નગર પાલિકા સત્તાધીશોનો સંપર્ક કરતા તેઓએ આ મામલે કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો, પાણીનાં ખર્ચ બાબતે જ્યારે સૂત્રો પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે ખબર પડી કે કર્મચારીઓ ખુદ પોતાની રીતે આ વોટર કુલર પોતાના ખર્ચે મંગાવે છે અને પીવે છે ત્યારે ખુદ પાલિકાનાં જ કર્મચારીઓ અને સત્તાધીશોની આવી નીતિ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છેઃ..!!