નગરપાલિકા ભરૂચ દ્વારા બંબાખાના જીન કમ્પાઉન્ડમાં સુએજ પ્લાન્ટ માટેના બાંધકામની કામગીરી હાલમાં ચાલી રહેલ છે. આ બાબતે આવેદન પત્રમાં જણાવવા માં આવ્યું કે સદરહુ જગ્યા જ્યારે ટાઉન પ્લાનિંગ નંબર – ૩ ની યોજના મંજુર થઇ તે સમયે આ જગ્યા સામાજિક અને આર્થિક રીતે પછાત નબળા વર્ગના ઔદ્યોગિક કામદારો માટે તેમના આવાસો બનાવવા માટે અનામત રાખવામાં આવેલ હતી. જ્યારે સદરહુ જગ્યામાં નગરપાલિકા ભરૂચ દ્વારા હાલમાં આવાસોના સ્થાને ભરૂચ શહેરની ગટર વ્યવસ્થાના ભાગ રૂપે સુએજ ટ્રીટમેન્ટ ફિલ્ટ્રેશન પ્લાન્ટની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. સરકાર શ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર આ કામગીરીનાં કામની તાંત્રિક તેમજ અન્ય વિગતો માટેની સૂચનાઓ દર્શાવાતું બોર્ડ પણ મુકવામાં આવેલ નથી.
સદરહુ યોજનાની આજુ બાજુ નુરાની સોસાયટી, સાબેના પાર્ક, બિજલીનગર સોસાયટી, હબીબ પાર્ક, સંતોષી વસાહત, વેજલપુર નવી વસાહત, બંબાખાના, સિવિલ લાઈન્સ વગેરે સંપૂર્ણપણે રહેણાંક વિસ્તાર આવેલો છે. જો આ યોજના આ વિસ્તારમાં અમલમાં આવશે તો સ્વાભાવિક રીતે તેનાથી ઉત્પન્ન થતું પ્રદૂષણ જેવાકે દૂર્ગંધ, સોલિડ વેસ્ટ વગેરેથી રોગચાળો તથા સ્વાસ્થયને લગતી બીમારીઓ થાય છે. જેને ધ્યાનમાં લેવા માટે રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ટાવરની ગટરોના ગંદા પાણી પ્રથમ કાલી તલાવડી એકત્રિત કરીએ ત્યાર બાદ પૂનઃ ત્રણ કી.મી શહેરની અંદર રહેણાંક વિસ્તારમાં લઇ જવા પાછળ કયું રાજકારણ રંધાઈ રહ્યું છે તે અંગે ટાણાકૂટાણા વ્યાપવા પામી છે.