અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલનાં નિવાસ સ્થાને રાજ્ય તેમજ અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં નેતાઓ તેમજ કાર્યકરો સહીતનાં ચાહકો મર્હુમ અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા ઉમટી પડ્યા હતા તેમજ ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો પણ આવી પહોંચ્યા હતા અને તેમના પરિવારને મળી સાંત્વના પાઠવી હતી.
સાલીન અને સરળ સ્વભાવ જેમનું વ્યક્તિત્વ હતુ, એવા લોકલાડીલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સ્વ.અહેમદ પટેલના દુઃખદ અવસાનથી તેમના પરિવારજનો સહિત કોંગ્રેસને ક્યારે પણ પૂરી ન શકાય તેવી ખોટ પડી છે, આ દુઃખદ ઘડીમાં સ્વ.અહેમદ પટેલનાં પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે રાજ્ય તેમજ દેશનાં અન્ય રાજ્યોથી સ્વ. અહેમદભાઈ પટેલને શ્રદ્ધાંજલી અર્પવા નેતાઓ, ધારાસભ્યો સહિત લોકો મોટી સંખ્યામાં ભારે હૈયે ઉમટી પડયા હતા. તેમના નિધનનાં પગલે ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો પણ આવી પહોંચી સ્વ. અહેમદભાઈ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલને સાંત્વના અર્પી હતી.
સ્વ.અહેમદ પટેલનાં પુત્ર ફૈઝલ પટેલે ચાહકોને મળી પિતા માટે પ્રાર્થના કરવા અપીલ કરી હતી. ફૈઝલભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તેમના પિતા અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને પિતા દ્વારા સ્થપાયેલ આરોગ્ય અને શૈક્ષણિક સહિત સેવાકીય સંસ્થાને આગળ ધપાવી પિતાનાં સપનાઓને સાકાર કરીશું. અમે પરિવારનાં મોભી ગુમાવ્યા છે. પરંતુ છેલ્લા 3 દિવસથી અશ્રુભીની આંખે આવતા લોકોને જોઇને લાગે છે કે અમારે લાગણીશીલ લોકોને સાંભળવા પડે છે. ત્યારે લોકોની સેવા માટે અમે ભાઇ-બહેન સદા તત્પર રહી પિતાના અવિરત સેવાનાં કાર્યોને આગળ ધપાવીશું. સમાજનાં નબળા કચડાયેલા અને છેવાડાના માનવી સેવા કાર્ય કાજે કટિબદ્ધ રહીશું.
પુત્રી મુમતાઝ પટેલ સિદ્દીકીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય કે સાંસદ બનીને નહીં પણ પિતાની જેમ સાચા લોક સેવક બનીને કાર્ય કરીશું. અહીં આવતા કેટલાક આગેવાનો તેમજ સમાન્યજની દ્વારા તેઓને પિતાનું સ્થાન લેવા માટે આગ્રહ કરતા હતાં. જોકે તેમને પિતાના જનસેવાનાં કાર્ય કરવા કટિબદ્ધતા બતાવી હતી.