ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં પિરામણ ગામ ખાતેથી અહેમદભાઈ પટેલની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. પોતાનાં વતન પિરામણ ખાતેથી રાજકીય કરીયર શરૂ કરનાર અહેમદભાઈ વર્ષ 1976 માં અંકલેશ્વર તાલુકા પંચાયતનાં અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ કોંગ્રેસનાં જે-તે સમયનાં પીઢ નેતા હરિસિંહ મહિદાની નજર આ નેતા પર પડતાં તેમના પ્રયાસોથી અહેમદભાઈ ભરૂચ લોકસભા બેઠક પર માત્ર 26 વર્ષની વયે વર્ષ 1977 માં ચૂંટણી લડી 62879 મતોથી ભવ્ય વિજય મેળવી સાંસદ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1980 માં ફરી લોકસભા ચુંટણીમાં 82844 જેવા જંગી મતોથી વિજય થયો હતો. તેમજ 1984 માં તો 123068 મતોથી જીત હાંસિલ કરી હતી આવી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીતની હેટ્રીક અહેમદભાઈનાં નામે બોલે છે ત્યારે 1985 માં તેઓને તે સમયનાં પ્રધાનમંત્રીએ રાજીવ ગાંધીનાં સાંસદ સચિવ તરીકે નિયુકત કરવામાં આવ્યા હતા.
અહેમદભાઈ પટેલ 3 વખત સાંસદ અને વર્ષ 1993, 1999, 2005, 2011, 2017 થી અત્યારસુધી રાજયસભાના સાંસદ રહ્યા હતા, યુવા નેતા તરીકે પણ તેમની કારકિર્દી જવલંત હતી. વર્ષ 1977 થી 1982 સુધીમાં સ્વ.અહેમદભાઈ ગુજરાત યુથ કોંગ્રેસ કમિટીનાં અધ્યક્ષ રહ્યા હતાં. સપ્ટેમ્બર 1983 થી ડિસેમ્બર 1984 સુધી તેઓએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જોઇન્ટ સેક્રેટરી તરીકે સફળ ભૂમિકા ભજવી હતી, આ ઉપરાંત સપ્ટેમ્બર 1985 થી જાન્યુઆરી 1986 સુધી તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરકલ સેક્રેટરી પદે પણ રહી ચૂકયા હતા. આમ કોંગ્રેસના તાલુકા પંચાયત અધ્યક્ષથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર અહેમદભાઈ જાન્યુ 1986 માં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ બન્યા હતા આ પદે તેઓ ઓક્ટોબર 1988 સુધી સફળ ભૂમિકા ભજવી હતી. 1991 માં નરસિંહ રાવ પ્રધાનમંત્રીએ બન્યા ત્યારે અહેમદભાઈ પટેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બન્યા હતા જે અત્યારસુધી આ પદે રહ્યા હતા, જયારે 1996 માં અહેમદભાઈ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીનાં ખજાનચી તરીકે નિમાવવામાં આવ્યા હતા તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા. વર્ષ 2000 માં સોનિયા ગાંધીના અંગત સચિવ વી. જોર્જ સાથે અણબનાવ બન્યા બાદ સ્વભિમાની એવા અહેમદભાઈએ તે પદ છોડી દીધું હતું અને પછીના વર્ષે સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર બન્યા હતા. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે અહેમદભાઈ પટેલ એક માત્ર એવાં મોંધાદાર વ્યક્તિ હતા જેમની 10 જનપંથમાં સીધી અવરજવર હતી એટલુ જ નહીં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના વફાદાર હોવા સાથે તેઓ પક્ષ માટે એટલી જ મહત્વની ભૂમિકા ભજવતા હતા.
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં નાનકડા ગામ પિરામણથી દેશની રાજધાની દિલ્હી સુધીની અતિ ગૌરવવંતી સ્વ. અહેમદભાઈ પટેલની રાજકીય કારકિર્દી.
Advertisement