ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલી ઝમઝમ પાર્ક કોલોનીમાં આવેલા એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. શિયાળાની ઋતુનો પ્રારંભ થતા જ તસ્કરોએ પોતાનું પોત પ્રકાશવાનું શરૂ કર્યું હોય એમ લાગી રહ્યું છે. ટંકારીયા ગામમાં આવેલી ઝમઝમ પાર્ક કોલોનીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા તેમજ સોના – ચાંદીના દાગીના મળી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ જતા રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ 4 નવેમ્બરથી 17 નવેમ્બર વચ્ચે ઝમઝમ પાર્કમાં રહેતા જુનેદ અબ્બાસ અલી જેઓ પોતે શિક્ષક તરીકે સિતપોણ ગામની શાળામાં ફરજ બજાવે છે તેઓ હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું હોઇ ટંકારીયા ગામથી પોતાના વતન કાવી ગામ પરિવાર સાથે ગયા હતા તેઓ પોતાનું મકાન બંધ કરીને પોતાના વતન કાવી ગયા હતા.
જુનેદભાઈ ૧૭ નવેમ્બરના રોજ કાવી ગામથી ટંકારીયા ગામે પરત ફરતા મકાનમાં પ્રવેશતા તેઓના મકાનમાં ઘરનો સામાન વેરવિખેર પડેલો જોતા તેઓના પગ નીચેથી ધરતી ખસી જવા પામી હતી. જુનેદભાઇને શંકા જતા તેઓએ પોતાના મકાનમાં તપાસ કરતા ઘરના ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ઉપરના માળે આવેલા રૂમમાં તિજોરીનો સામાન તથા લોક તોડી જેમાં મૂકેલા સોના – ચાંદીના દાગીના આશરે કિંમત રૂપિયા 4,26,000 તેમજ રોકડા રૂપિયા 1,98,000 મળી કુલ રૂપિયા 6,26,000 ની મતાની ચોરી થવા પામી હતી. ચોરીના બનાવ સંદર્ભે જુનેદ ભાઈએ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે તસ્કરોનું પગેરુ મેળવવા ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. હાલ શિયાળાની ઋતુ શરૂ થતા તસ્કરો સક્રિય બન્યાં હોવાની પણ લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે પોલીસ પેટ્રોલિંગ બનાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
યાકુબ પટેલ : ભરૂચ