ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ગુમાનદેવ મંદિરના મહંત મનમોહનદાસ ઉપર થયેલા હુમલા પ્રકરણમાં વિતેલા છ દિવસ દરમ્યાન પોલીસે ચાર મહિલા અને પાંચ યુવાન મળી કુલ નવ ઇસમોની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ગઇ તા.૨૮ મી ના રોજ સવારના સમયે ગુમાનદેવ બસ સ્ટેન્ડ ઉપર વાહનની રાહ જોઇને ઉભેલ ચાર વ્યક્તિઓને કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતા ત્રણ મહિલાઓના મોત નીપજ્યા હતા. જ્યારે એક યુવાન ગંભીર રીતે જખ્મી થયો હતો. અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ટોળાએ બાદમાં ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસ ઉપર હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. આને લઇને મહંત મનમોહનદાસે રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ.૫.૮૦ લાખના મુદ્દામાલની લૂંટ ચલાવી હોવાની ફરિયાદ ઝઘડિયા પોલીસમાં લખાવી હતી. જે બનાવના છ દિવસ બાદ પોલીસે અત્યારસુધીમાં ચાર મહિલા અને પાંચ યુવાન મળી નવ વ્યક્તિઓની ધરપકડ કરી છે. ઝઘડિયા પોલીસે મહંત ઉપર હુમલો કરવાના પ્રકરણમાં (૧) ઇચ્છાબેન કેશવ પટેલ રહે. ગુમાનદેવ મંદિરની બાજુમાં, (૨) રેવાબેન સોમા પટેલ રહે. ગુમાનદેવ મદિર બાજુમાં, (૩) ભાવનાબહેન કિશોરભાઇ પટેલ રહે. ઝાંપા ફળિયું ઉંચેડિયા, (૪) કાશીબેન હસમુખ પટેલ ઝાંપા ફળિયું ઉંચેડિયા (૫) હર્ષદ શૈલેશ પટેલ રહે. ઉંચેડીયા, (૬) હિતેશ હસમુખ પટેલ, (૭) મયુર રમેશ પટેલ, (૮) રામુ નારણ પટેલ, (૯) ભાવિન રમેશ પટેલ તમામ રહે. ઉંચેડિયાની પોલીસે ધરપકડ કરી છે. જે પૈકી બે મહિલાને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેઓને ભરૂચ સબજેલ ખાતે લઇ જવાયા હતા. ત્યારબાદ બાકીના આરોપીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.આ પકડાયેલ વ્યક્તિઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ