ભરૂચ જીલ્લામાં નર્મદા નદીનાં પટમાં રેત માફિયા દ્વારા રેતી ખનન કરાતા આ બાબતે ભરૂચનાં સાંસદ મનસુખભાઈ વસાવાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ લેખિત પત્ર પાઠવી રેતીનું ખનન કરતાં રેતી માફિયાઓને અટકાવાવ માટે લીઝ કેન્સલ કરવા માંગણી કરી છે. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ, વડોદરા તથા નર્મદા એમ ત્રણેય જીલ્લામાં મોટાપાયે રેતી ખનન થતું હોય જેને અટકાવવા માટે મારી માંગણી છે. આ વિસ્તારનાં રેત માફિયાઓ પોતાની વગનાં આધારે જીલ્લા તથા રાજય લેવલે આગવી ઓળખનાં કારણે આડેધડ રેતીની લીઝની મંજૂરી મેળવેલ હોય આથી આ રેતમાફિયાઓ પર અંકુશ લગાવવા મારી માંગ છે.
રેતમાફિયાઓ દ્વારા આ વિસ્તારમાં રેતીનું ખનન થઈ રહ્યું છે તેનાથી આવનારા દિવસોમાં નર્મદા નદીનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની શકયતા છે. રેત માફિયાઓનાં કારણે નદીનાં ઊંડાણમાંથી રેતી કાઢવાની કામગીરી કરવામાં આવતા વારંવાર નદીમાં ડૂબી જવાની ઘટનાઓ પણ બનેલ છે. આ બાબતે અમોએ આપને આ અગાઉ પણ ચાર વખત લેખિત રજૂઆત આપેલ છે પરંતુ મારી રજૂઆતને ધ્યાન પર ન લઈ કોઈ પણ જાતની કામગીરી કરાઇ નથી. તેમજ રેતી ખનન કરવાથી નર્મદા નદીનાં બંને કાંઠાઓ પર આવેલા ગામોમાં નદીનો પ્રવાહ બદલવાથી ગામનાં ભાગોળ સુધી નદીનું ધોવાણ થવાની સંભવના રહેલી છે. પ્રકૃતિની દ્રષ્ટિએ નદીનાં કિનારે આવેલા નદીમાં ઉછરતા નાના-મોટા વૃક્ષોનું પણ ધોવાણ થઈ રહ્યું છે. આસપાસનાં ગામો પ્રકૃતિક દ્રષ્ટિએ પણ ખૂબ જ નુકસાન થાય છે. આસપાસનાં ગામોમાં રસ્તાઓ તૂટી જાય છે જેના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આથી રેતીમાફિયાઓ દ્વારા રેતી ખનન કરતાં આગામી સમયમાં નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામમાં પાણીનો પ્રવાહ ગામ તરફ આવવાની ભીતિ છે અને આજુબાજુના ગામમાં પણ ભારે નુકસાન થવાણી સંભાવના છે. આસપાસનાં વિસ્તારનાં લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. પરંતુ લીઝ ધારક રેત માફિયાઓની સરકાર તથા વહીવટી તંત્રમાં મોટી વગ હોવાના કારણે નદીમાંથી રેતી કાઢવાનું ચાલુ રાખ્યું છે. આથી પ્રજાની રજૂઆતને ધ્યાને લઈ જે વિસ્તારમાં રેતી કાઢવાનો વિરોધ છે તે વિસ્તારમાં લીઝને કેન્સલ કરવી જોઈએ.