* આ વર્ષે કોરોના મહામારીએ લોકોના તહેવારો બગાડયા તો લગ્નની સીઝનમાં લોકોને છૂટછાટ આપતી ગુજરાત સરકાર.
* બંધ હૉલમાં જાહેર લગ્ન સમારંભમાં હોલની કેપેસિટી હોય તેના 50 % વ્યક્તિઓની છૂટછાટ અપાઈ.
* કોરોનાનાં નિયમોનું કરવું પડશે ચુસ્તપણે પાલન.
લોકડાઉનનાં સમયથી જાહેરમાં લગ્ન પ્રસંગ યોજવા માટે 100 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી હતી પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ નિયમમાં ફેરફાર કરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરમાં લગ્ન પ્રસંગ યોજવા માટે એક માર્ગદર્શિકા બહાર પાડી છે આ માર્ગદર્શિકા અનુસાર આગામી સમયમાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાત સરકારનું આ માર્ગદર્શિકામાં જણાવ્યુ છે કે કોરોનાનાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં ફરજિયાત માસ્ક, સેનેટાઈઝર સહિતની વ્યવસ્થા લગ્ન પ્રસંગમાં રાખવી જરૂરી રહેશે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા લગ્ન સમારંભો યોજવા માટેની એક માર્ગદર્શિકા જાહેર કરાઇ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ માર્ગદર્શિકામાં જાહેર કર્યું છે કે આગામી સમયમાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે. કોરોના મહામારી બાદ માત્ર 100 વ્યતિઓની છૂટછાટ લગ્ન સમારંભોમાં અપાઈ હતી જેમાં ફેરફાર કરીને 200 વ્યક્તિઓ આગામી સમયમાં જાહેર સ્થળે લગ્ન સમારંભમાં ઔપસ્થિત રહી શકશે તેવું જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત જો કોઈ પાર્ટી પ્લોટ કે બંધ હૉલ હોય તો તેમાં સમાવેશ કરવામાં આવતા વ્યક્તિઓની 50 % કેપેસિટી સાથે જાહેર લગ્ન સમારંભ યોજી શકાશે. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા લોકમેળા બંધ રાખવામા આવ્યા હતા. તો નવરાત્રિ, શરદપુર્ણિમા, દિવાળી, બેસતુવર્ષ અને ભાઇબીજ જેવા મહત્વના તહેવારની ઉજવણી પરિવાર સાથે મળી પોતાના ઘેર ઉજવણી કરવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ આગામી સમયમાં દિવાળીના પર્વો પૂર્ણ થતાંની સાથે જ ગુજરાતમાં લગ્નસરાની સીઝન આવશે. આથી ગુજરાત સરકાર દ્વારા લગ્નની સીઝનને અનુસરીને આ ખાસ માર્ગદર્શિકા જાહેર કરાઇ છે.
ગુજરાત સરકારની આ ખાસ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે લગ્ન સમારંભમાં હાજરી આપનાર દરેક વ્યક્તિનું સ્થળ પર ટેમ્પરેચર ગન દ્વારા તાપમાન માપવામાં આવશે અને ત્યારબાદ સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે તથા હૉલમાં બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી ગોઠવણ કરવી ફરજિયાત રહેશે તેમજ લંચ-ડિનર કાઉન્ટર પર પણ સેનેટાઈઝરનો ઉપયોગ ફરજિયાત હોવો જરૂરી છે. આ ઉપરાંત લગ્ન સમારંભના સ્થળ પર પાન-મસાલા, ગુટકાના સેવન પર સંપૂર્ણ પ્રતિબંધ રાખવામાં આવશે.
અહીં નોંધનીય છે કે પ્રતિવર્ષ દીપોત્સવીના તહેવારો બાદ ગુજરાતીઓ દ્વારા લગ્નના મુહૂર્તો નક્કી થતાં હોય છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ગુજરાતી પરિવારોમાં લગ્નની ગોઠવણ થતી હોય છે ત્યારે ગુજરાત સરકારે આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ દિવાળીનાં પર્વ પહેલા લગ્નનાં જાહેર સમારંભને લાગતી માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમાં કોવિડ-19 નાં નિયમોનું ચુસ્તપણે પાલન અને જાહેર લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓને ઉપસ્થિત રહેવાની છુટછાટ અપાઈ છે.