ગુજરાત સરકારે ભરૂચ જીલ્લાનાં અંગારેશ્વર, કબીરવડ અને શુકલતીર્થ પ્રવાસનધામ તરીકે જાહેર કર્યા છે. પરંતુ અહીં પ્રવાસનધામનાં વિકાસ અર્થેની કામગીરી શરૂ કરવામાં ન આવતા અંગારેશ્વર ગ્રામ પંચાયતનાં સરપંચ દીપિકાબેન કમલેશભાઈ માછી, ઉપસરપંચ મહેશભાઇ બી. પરમાર દ્વારા ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી અને પ્રવાસનમંત્રીને આ મુદ્દે લેખિતપત્ર પાઠવી રજૂઆત કરી છે.
આ લેખિત પત્રમાં જણાવ્યુ છે કે ભરૂચ જીલ્લાનાં ભરૂચ તાલુકાનાં પૂર્વપટ્ટીનાં નર્મદા કિનારાનાં ઐતિહાસિક ધરોહર સમાન કબીરવડ, શુકલતીર્થ, અંગારેશ્વર ગામોને વર્ષ 2011 માં ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા સંયુકત રીતે ખાત મુહૂર્ત કરી પ્રવાસનધામ જાહેર કર્યું હતું. પરંતુ આ પ્રવાસનધામનાં વિકાસ માટે પૂર્વપટ્ટીનાં વિસ્તાર માટે આજદિન સુધી કોઈ નક્કર કામગીરી ગુજરાત સરકાર કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ નથી.
સરકાર દ્વારા નર્મદા જીલ્લામાં કેવડીયા તેમજ અન્ય વિસ્તારોને વિકસાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તો અહીં અંગારેશ્વરમાં આવેલા મંદિરોનાં દર્શનાર્થે આવતા પ્રવાસીઓને માળખાગત સુવિધા પણ પ્રાપ્ત થતી નથી. અહીં પ્રવાસીઓ માળખાકીય સુવિધાનાં અભાવે હાલાકી વેઠી નિરાશ થઈ પરત ફરે છે.
દેશનાં વડાપ્રધાન આગામી તા.31/10/2020 નાં રોજ કેવડીયા ખાટી ઉપસ્થિત રહેનાર હોય તો ભરૂચનાં પૂર્વપટ્ટીનાં જાહેર કરાયેલા પ્રવાસનધામોનાં વિકાસની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવાની અંગારેશ્વર ગ્રામ પંચાયતનાં સરપંચ અને ઉપસરપંચે કરી છે, આ સાથે જ સરકારને ચીમકી આપી છે કે જો આ ગામના પ્રવાસનધામનો વિકાસ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.