અવકાશી યુદ્ધના પર્વની ઉજવણીના ઉત્સાહમાં પતંગ રસિકોની ધારદાર દોરી થી ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે ભરૂચની વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાએ દ્વારા વિશેષ વ્યવસ્થા તેઓની સારવાર માટે કરવામાં આવી છે.
ઉત્તરાયણ દરમ્યાન અવકાશમાં ઉડતા અનેક પક્ષીઓ પતંગની ધારદાર દોરીનો ભોગ બનતા હોય છે. જેમાંથી કેટલાક પક્ષીઓ મૃત્યુ ને પણ ભેટતા હોય છે. આ પક્ષીઓને બચાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી જીવદયા પ્રેમીઓ અભિયાન ચલાવી રહ્યા છે. જેમાં આ વર્ષે સરકાર પણ કરૂણા અભિયાન હેઠળ વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓના સહયોગ થી સક્રિય થઇ છે.
ભરૂચના વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ભરૂચમાં તેમના માર્ગદર્શન હેઠળ મીરાં કન્સલ્ટન્સી, એનિમલ હેલ્પલૈન અને કામધેનું ગૌરક્ષા સમિતિ દ્વારા પતંગની દોરીથી ઘાયલ પશુ – પક્ષીઓને બચાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ શહેરમાં પાંચ બર્ડ એમ્બ્યુલન્સ અને ૩૦ બાઈકર્સ, ૬૦ જેટલા સ્વયંસેવકો સેવા આપશે. જેઓ ઘાયલ પક્ષીની માહિતી મળતા જ ત્યાં પહોંચી સારવાર કરશે.
ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક સર્કલ સહીત મહત્વના સ્થળો પર પક્ષી બચાવ અભિયાનનાં બેનરો સંપર્ક માટેના મોબાઈલ નંબર સાથે કેટલાક દિવસોથી પ્રદર્શિત કરવામાં આવે છે.