સુગર ફેક્ટરીનાં નિયમો અનુસાર બે વર્ષ શેરડી પકાવી હોઈ તે જ સભાસદ સુગરમાં મતદાન કરી શકે એવા અન્યાય કરતાં કાનૂન સામે દક્ષિણ ગુજરાતનાં હજારો સભાસદોને ન્યાય અપાવવા ગુજરાત હાઇકોર્ટમાં કાનૂની લડાઈ લડત લડતાં વિક્રમસિંહ કનકસિંહ માંગરોલાની લડત નજીકના ભવિષ્યમાં સભાસદોને મતદાનનાં અધિકારો અપાવશે એવો આશાવાદ છે.
સુગર ફેક્ટરીઓનાં પાયામાં જેઓનું મહત્વનું યોગદાન છે એવા લાખો શેરહોલ્ડરોના વ્યાપક હીતમાં ગુજરાત હાઈકોર્ટેમાં સ્વખર્ચે કાનૂની જંગ લડી રહેલ વિક્રમસિંહ માગરોલાની લડત હવે સુનવણી પર આવી ચૂકી છે, ટૂંક સમયમાં લાખો સભાસદો જેઓ મતદાનના હકથી વંચિત બન્યા છે તેઓના અધિકાર માટે નામદાર હાઇકોર્ટમાં ગુજરાત સહકારી ક્ષેત્રનાં નામાંકિત અને અનુભવી એડવોકેટ કિશોરભાઈ જાની વિક્રમસિંહ તરફથી સભાસદોને અન્યાય કરતાં નિર્ણય સામે નામદાર કોર્ટમાં રજુઆતો કરશે.
મિત્રો સુગર ફેક્ટરીઓમાં જે જમાનામાં શેર હોલ્ડરો બનાવવા એ કપરી કામગીરી હતી ત્યારે જણસો ગિરવી મૂકી વ્યાજે રૂપિયા લાવી સંસ્થામાં શેર ખરીદનાર સભાસદોને આજે બે વર્ષ શેરડી પકાવી હોઈ તો જ મતદાન કરી શકે એવા કાનૂનથી પોતાના હક ગુમાવવા પડયા છે. ટ્રાઇબલ વિસ્તારના ખેડૂતો ટૂંકી જમીનો અને સ્પર્ધાત્મક બઝારમાં પોતાનો માલ આ વિસ્તારની સુગરો જેવી કે ગણેશ, નર્મદા, ધારીખેડા, ચલથાન, મઢી, બારડોલી વગેરે સુગરોમાં યેનકેન પ્રકારે મોકલતાં હોઈ છે તેવા સંજોગોમાં કોઈ સુગરને પાંચ વર્ષમાં એકવાર શેરડી મોકલી હોઈ તો બીજીવાર બીજી સુગરમાં પણ સારા ભાવની અપેક્ષાએ મોકલતાં હોઈ છે તેવા સંજોગોમાં આ શેરડી પકાવતાં ખેડૂતના હક્કો પર તરાપ રૂપ કાનૂનથી સભાસદોનું હિત જોખમાયું છે. સુગરની ગાદી પર બેઠેલાં સત્તાધીશો આ કાયદાની સામે લડત કરવાની જગ્યાએ ઘૂંટણિયે પડી નતમસ્તક થયેલા દેખાય છે સભાસદો માટે અવાજ ઉઠાવવાની જગ્યાએ આ કાયદાઓને સમર્થન કરતાં હોય તેમ મૌન બનીને મુક પ્રેક્ષક બન્યા છે. સુગરોની સ્થાપના કાળથી આજદિન સુધી શેરડીઓ પકાવતાં સભાસદો કોઈ મજબૂરી વશ કોઈ વર્ષે શેરડીની જગ્યાએ બીજો પાક પણ કરે તો શું એનો અધિકાર સમાપ્ત થઈ જાય આ કયાનો ન્યાય અંધેરી નગરીને ગન્ડુ રાજા જેવી વાત છે.
હાલમાં કેન્દ્ર સરકાર નવા બજાર કાનૂન મુજબ ખેડૂતો પોતાનો માલ ઈચ્છે ત્યાં વેચી શકે એવો કાનૂન લાવી છે જે ખેડૂતોને ન્યાય અપાવનારો અને શોષણથી મુક્તિ અપાવનારો હોવાનું કહેવામાં આવે છે જ્યારે બીજી તરફ સુગર ફેક્ટરીઓમાં બે વર્ષ શેરડી ફરજીયાત જ નાંખી હોઈ તે જ સભાસદને અધિકાર મળી શકે એવો કાનૂન કેન્દ્ર સરકારના બજાર એક્ટ સામે વિરોધાભાસ ઉભો કરે છે.
સુગર ફેકટરીઓ ઉત્તમ વહીવટ કરી સારા ભાવો આપશે તો ખેડૂતો શેરડી નાંખવાના જ છે પરંતુ ઓછા ભાવો આપી સભાસદોનું આવા કાયદાની આડમાં શોષણ કરે તે વ્યાજબી નથી શેર ધારણ કરનારને મતદાન સહિતના અધિકારો શેર ધારણ કર્યા ત્યારથી પ્રાપ્ત થયા છે જ તે અધિકારો પુન:સ્થાપિત કરવાની સાચી લડતમાં વિક્રમસિંહ માગરોલાને કાનૂની સફળતા મળે તેવી પ્રભુને પ્રાર્થના એક શેર હોલ્ડર તરીકે હું તેઓને મારુ સમર્થન કરું છું.