* શાકભાજીનાં ભાવમાં નોંધપાત્ર વધારો થતાં તમામ શાક રૂ. 25 થી 30 વધારે લેવાઈ છે.
* હોલસેલ વેપારીઓનું કહેવું છે કે હાલ શાકભાજીની આવક ઓછી છે.
* નવરાત્રિ પર્વ ચાલતું હોય ઉપવાસમાં લેવાતા બટકાનો ભાવ પણ આસમાને પહોંચ્યો.
* મધ્યમવર્ગીય પરિવારોને શાકભાજી ખરીદવા પરવડે તેમ ન હોય તેવી સ્થિતિ સર્જાઈ.
શાકભાજીનાં ભાવ આસમાને જતાં ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે. ખાસ કરીને ડુંગળી, બટાકાનાં ભાવમાં જંગી વધારો થતાં ગૃહિણીઓનાં બજેટ ખોરવાયા છે. હાલનાં સમયમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે તેવામાં બટાકાનાં ભાવ આસમાને જતાં લોકોને ઉપવાસ કરવામાં પણ તકલીફનો સામનો કરવો પડે છે. નવરાત્રિનાં પર્વ દરમ્યાન વધુ પડતાં લોકો ઉપવાસ કરતાં હોય છે જેની વિવિધ વાનગી બનાવવામાં બટાકાનો ઉપયોગ થતો હોય છે. હાલ બટાકાનો ભાવ રૂ. 60 થી 80 સુધીનો રિટેલ વેપારીઓ દ્વારા લેવામાં આવે છે.
દિવાળીનાં પર્વ નજીક આવી રહ્યા છે ત્યારે શાકભાજીનાં ભાવોમાં વધારો થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો શાક રોટલી ખાયને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તેમાં જો શાકભાજીનાં ભાવમાં જ વધારો કરવામાં આવે તો લોકોને શું ખાવું તેવો પ્રશ્ન સર્જાય છે. ખરીફ પાકની સીઝન પૂર્ણ થતાં ભાવ વધ્યા હોવાનું અનુમાન છે તેવું શાકભાજીનાં વેપારીઓનું કહેવું છે. હાલનાં સમયમાં તમામ સીઝન પૂર્ણ થવાના આરે હોય છેલ્લો માલ નાસિક, મહારાષ્ટ્ર અને ડીસાથી બટાકાનો આવતો હોય છે. ગુજરાતમાં લોકડાઉનનાં સમયમાં ટ્રાન્સપોર્ટ બંધ થતાં ત્યારબાદ ડુંગળી-બટાકા સહિતનાં શાકભાજીનાં ટ્રકોની આવક ઘટી છે. હોલસેલ વેપારીઓનાં જણાવ્યા અનુસાર પહેલા નિયમિત ડુંગળીનાં 40 ટ્રક નાસિક, મહારાષ્ટ્રથી આવતા હતા. હાલનાં સમયમાં માત્ર 20 ટ્રક આવે છે અને બટાકાનાં પહેલા ડીસા સહિતની જગ્યાઓથી 45 ટ્રક આવતા હતા જેમાં ઘટાડો થઈ હાલમાં માત્ર 22 ટ્રક આવે છે આથી ટ્રાન્સપોર્ટ ઘટતા ડુંગળી-બટાકા સહિતનાં શાકભાજીનાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ ઉપરાંત અન્ય શાકભાજીનાં ભાવમાં પણ નોંધપાત્ર વધારો ઝીંકાતા ગૃહિણીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. હોલસેલમાં અન્ય શાકભાજીનાં ભાવ જોઈએ તો ટામેટાં-500 થી 600, સુરણ 400 થી 500, કોથમીર 600 થી 1000, મૂળા 300 થી 550, રીંગણાં 200 થી 310, કોબીજ 480 થી 720, ફુલેવર 300 થી 500, ભીંડા 280 થી 400, ગુવાર 700 થી 1000, ચોળી 400 થી 500, વાલોળ 600 થી 800, ગિલોડા 220 થી 350, દૂધી 240 થી 360 નાં બજારમાં મળી રહ્યા છે. અહીં આપવામાં આવેલા શાકભાજીનાં ભાવ હોલસેલ વેપારીઓએ આપેલા ભાવ છે. ત્યારબાદ શાકભાજી રિટેલ વેપારી પાસે જાય અને રિટેલ વેપારી દ્વારા આ ભાવમાં પણ વધારો કરી વેચવામાં આવે છે. આથી હાલનાં સમયમાં દરેક શાકભાજીમાં રૂ. 25 થી 30 નો વધારો ઝીંકાયો છે.