– કેમિકલ પ્રેશર આવતા ટેન્કમાં બ્લાસ્ટ થતાં ઘટના સ્થળે જ કામદારનું મોત.
– અવાર-નવાર GIDC માં આ પ્રકારની ઘટનાઓ પ્રકાશમાં આવે છે, કામદારોના જીવ સાથે જાણે કે રમત રમાતી હોય.
– શું આ ઘટનામાં કામદારો ફાયર સેફટીના નિયમોનું કરે છે પાલન ? અનેક મુદ્દાઓ ચર્ચાના એરણે.
ભરૂચ જિલ્લાની ઝધડીયા GIDC ની કેમિકલ ઓર્ગોનીક કંપનીમાં મોડી રાત્રે બ્લાસ્ટ થતાં કમદારનું મોત થયું છે. ઝધડીયા GIDC ઓર્ગોનીક કંપનીમાં એક કેમિકલ ટેન્કમાં પ્રેશર આવતા આ બ્લાસ્ટ થયો હતો. જે સમયે અહીં કામ કરતાં કામદારનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
મળતી વિગતો અનુસાર એચ.કે. ફેબ્રિકેશન નામના કોન્ટ્રાકટર અંતર્ગત અનુપ સિંધાસન પાંડે ઉં.વ. 24 રહે. મૂળ. મુંડેરા ઉત્તરપ્રદેશ અહીં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતો હતો. તે સમયે અચાનક કેમિકલના ટેન્કમાં પ્રેશર આવતા અચાનક બ્લાસ્ટ થતાં અનુપ નામના કામદારને માથાના અને છાતીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મૃત્યુ નીપજયું છે.
આ કામદાર ઝધડીયાની કેમિકલ ઓર્ગેનિક કંપનીમાં નવા પ્રોજેકટમાં કામગીરી કરી રહ્યો હતો. આ બનાવમાં ગઇકાલે મોડી રાત્રે કેમિકલના ટેન્કમાં એર પ્રેશર આવતા બ્લાસ્ટ થતાં બન્યો હતો. આ બનાવ બાદ ઝધડીયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
અવાર-નવાર ભરૂચ જીલ્લાનાં ઝધડીયામાં આવેલી GIDC કંપનીઓમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ બની રહી છે. આવી બ્લાસ્ટની બનતી દુર્ધટનાઓમાં કામદારોના જીવ સાથે જાણે કે રમત રમાતી હોય તે પ્રકારની અનેક દુર્ધટનાઓના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, આ રીતે ભરૂચ જીલ્લામાં ઝધડીયા GIDC માં કોન્ટ્રાકટમાં કામ કરતાં કામદારો ફાયર સેફટીના નિયમોનું પાલન કરે છે ? કે કેમ ? તેવા પણ આ ઘટના બાદ અનેક પ્રશ્નો સર્જાયા છે ? ગઇકાલે મોડી રાત્રે ઝધડીયા GIDC માં આ દુર્ધટના બની તે સમયે અહીં અન્ય કોઈ કામદારો ઘાયલ થયા છે ? તે તમામ બાબતો હાલ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચર્ચાનું કેન્દ્ર બની છે.