ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામના માધવપુરાના પાંચ જેટલા યુવાનો જુનાપોરા ગામ નજીક નર્મદા નદીમાં માછલી પકડવા તા.૧૦ નાં રોજ ગયા હતા. આ યુવાનો તેમના કામમાં વ્યસ્ત હતા ત્યારે એકાએક પાછળથી એક મગરે હુમલો કરીને રાજપારડી ગામના માધવપુરા વિસ્તારમાં રહેતા દિનેશભાઇ ડાહ્યાભાઈ વસાવા નામના ૩૫ વર્ષીય યુવકને ઉંડા પાણીમાં ખેંચી ગયો હતો દિનેશભાઇએ બુમાબુમ કરતા સાથેના યુવાનોએ દિનેશભાઇને મગરની પકડમાંથી છોડાવવા ભારે પ્રયત્ન કર્યા હતા, પરંતુ મગરની પકડમાંથી યુવાન છુટી શક્યો ન હતો. મગર યુવાનને ખેંચી ઉંડા પાણીમાં લઇ ગયો હતો.આ યુવક પાણીમાં લાપતા બનતા બાદમાં રાજપારડી પોલીસે સ્થાનિક ગ્રામજનો, વનવિભાગ તેમજ ફાયર ફાઇટરોની મદદથી નદીમાં ગુમ થયેલ યુવકની શોધ આરંભી હતી. જુનાપોરા ગામ નજીક નદીમાં બે દિવસ ભારે શોધખોળ હાથ ધરી હતી, મોડી રાત સુધી લાપતા યુવાનનો કોઇ પત્તો લાગ્યો ન હતો દરમિયાન આજે ઘટનાના ત્રીજા દિવસે ઝઘડીયાના લીમોદ્રા ગામ નજીક નર્મદા નદીના કિનારે લાપતા બનેલ આ યુવાનની લાશ બે ટુકડામાં મળી આવી હતી. જુનાપોરા ગામે મગરના હુમલાનો ભોગ બનનાર યુવાન લાપતા થયો હોવાની ફરિયાદ રાજપારડી પોલીસમાં નોંધાઇ હતી. જ્યારે નદીના વહેણમાં તણાઇને લીમોદ્રા ગામ નજીક નર્મદા નદીના કિનારે યુવકનો મૃતદેહ મળતા તેની વિગતો ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ