સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો અંકલેશ્વરથી રાજપીપલા વચ્ચેનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનાવવાની કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. કેવડીયા ખાતે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળને જોડતા બધા માર્ગોમાં આ માર્ગ મહત્વનો મનાય છે. આ માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ થઇ ત્યારે જનતાના મોં પર સુંદર સુવિધા મળવાની ખુશી જણાતી હતી. રોડની કામગીરી શરૂ થયા બાદ ચાર માર્ગીય કામગીરી ઉપરાંત રોડ પર આવતા નાળા તેમજ પુલો પણ ચાર માર્ગીય કામગીરી મુજબ ડબલ બનાવવા પડે. તેથી નવા નાળા અને પુલો બનાવવાની કામગીરી પણ શરૂ થઇ હતી. પરંતુ આ કામ લાંબા સમયથી ખોરંભે પડતા જ્યાં જ્યાં રોડ બન્યો હતો ત્યાં પણ બિસ્માર બની જતા જનતાની હાલાકી દિવસે દિવસે વધી રહી છે. રોડ પર છુટા પડેલા મેટલ કપચી વાહન ચાલકોને યાતના આપી રહ્યા છે.ખાડાઓના કારણે બંને તરફના વાહનો ઘણી જગ્યાએ એક જ તરફના રોડ પર આવજાવ કરતા દેખાય છે. વાહન ચાલકોએ ના છુટકે રોંગ સાઇડે જવુ પડતુ હોવાની લાગણી તેઓમાં દેખાય છે. ત્યારે રોંગ સાઇડના કારણે અકસ્માત થાય તો કોને જવાબદાર ગણવા ? આ પ્રશ્ન તાકીદે જવાબ માંગે છે. બિસ્માર રોડ પર પર ધુળ ઉડવાના કારણે વાહન ચાલકોના આરોગ્યને ખતરો પેદા થવાની સંભાવના પણ રહેલી છે. ચોમાસુ વિદાય લઇ રહ્યુ છે દિવાળીના આગમનના ડંકા વાગે છે છતાં રોડની અધુરી કામગીરી હજી શરૂ નથી થઇ, તેથી જનતામાં આશ્ચર્ય મિશ્રિત રોષ દેખાઇ રહ્યો છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ