સુરતના હજીરાથી એક ટ્રેલર ચાલક શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનો ટ્રેલરમાં કન્ટેનર મુકી ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ પાસેની રાજશ્રી પોલીફિલ કંપનીમાં આવવા માટે નીકળ્યો હતો. ટ્રેલર ચાલક શાહબુદ્દીન કથાટે ટ્રેલર ઝઘડિયા નાનાસાંજા ગામ નજીક હોટલ પર પાર્ક કરી તેના વ્હીલ તથા ડીઝલ ચોરી ટ્રેલર મુકી પલાયન થઈ ગયો હોવાની ફરિયાદ ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝરે લખાવી છે. ચાલક વિરુદ્ધ ૧.૨૩ લાખની મત્તાની ચોરીની ફરિયાદ ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. વિગતો મુજબ સુરતના પુણા કુંભારીયા રોડ પર સરદાર માર્કેટમાં આવેલ શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં મુકેશકુમાર વિનય કુમાર પાંડે સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. ગત તા.૬.૧૦.૨૦ ના રોજ તેમના ટ્રાન્સપોર્ટના ટ્રેલર પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો શાહબુદ્દીન સુલતાન કથાટ અદાણી પોર્ટસથી તેના ટ્રેલરમાં કન્ટેનર ભરી ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામ નજીક આવેલ રાજશ્રી પોલીફિલ કંપનીમાં જવા માટે નીકળ્યો હતો. ટ્રેલર ચાલક સાહબુદીન કથાટે તેના કબજાનો ટ્રેલર કંપની પર નહીં પહોંચાડી ઝઘડિયાના નાના સાંજા ગામ નજીક એક હોટલ પર પાર્ક કરી દીધું હતું. હોટલ પર ટ્રેલર કન્ટેનર સાથે પાર્ક કર્યા બાદ ટ્રેલર કંપની પણ નહીં પહોંચતાં ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝર તેની શોધમાં ઝઘડિયા તરફ આવ્યા હતા, ત્યારે ટ્રેલર બિનવારસી હાલતમાં હોટલના કમ્પાઉન્ડમાં પડેલું હતું. ટ્રેલરમાં ચેક કરતા ટ્રેલરમાં ફિટ કરેલ વ્હીલ પૈકી બે વીલ ડ્રમ સાથે કાઢી ગયેલ હતા તથા અન્યમાં ફિટ કરેલ કંપનીના ટાયર ન હતા તેના બદલે અન્ય કંપનીનાં ટાયર ફીટ કરેલા હતા તથા ટ્રેલરમાંથી ડીઝલ પણ ચોરી થયું હતું. શ્રીનાથ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના સુપરવાઇઝર મુકેશ કુમાર પાંડેએ ઝઘડિયા પોલીસ મથકમાં આ બાબતે રૂ. ૧,૨૩,૫૦૦ ની મત્તાની ચોરી થઇ હોવાની ફરિયાદ ટ્રેલર ચાલક શાહબુદ્દીન સુલતાન કથાટ રહે. રજોર જિ. રાજસમંદ રાજસ્થાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ