સમગ્ર ગુજરાત રાજયમાં અને ભરૂચ જીલ્લામાં ઔદ્યોગિક કંપનીઓનો વિકાસ થઈ રહ્યો છે. જેના પગલે ખેતીની જમીન ખૂબ ઓછી થઈ રહી છે. તેમાં પણ જમીન સંપાદન અંગે એક જબરજસ્ત સ્ફોટક સમસ્યા ઊભી થઈ છે. એકબાજુ સમગ્ર ગુજરાતમાં સરકારી કરોડો ચોરસ મીટર જમીન વણવપરાયેલ પડી રહી છે અને બીજીબાજુ સરકાર ખેડૂતોની કિંમતી જમીન વિકાસ નામે સંપાદન કરી રહી છે જેના કારણે ખેતીની જમીનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સાથેસાથે જમીન સંપાદનના નામે કરોડો રૂપિયાના વ્યવહાર થાય છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ત્રણ ગામોની જમીન સંપાદનમાં જીઆઈડીસી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો છતાં ભાજપ સરકાર કેમ કૌભાડીઓને બચાવી રહી છે તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં કરોડો ચોરસમીટર જમીન રાજ્ય સરકાર પાસે વણવપરાયેલ પડી રહી છે જેના પર વગ ધરાવતા લોકો એ અને અસામાજિક તત્વોએ કબજો દબાણ કર્યાનું ખુદ રાજ્ય સરકાર વિધાનસભામાં કબૂલી ચૂકી છે. આ સરકારી જમીનોનો ઉપયોગ સ્થાનિક વિકાસ કાર્યો માટે કરવો જોઈએ પણ, રાજ્ય સરકાર આ દિશામાં કોઈ કામગીરી કરતી નથી.
ભરૂચ : સમગ્ર ગુજરાતમાં ખેતીની જમીન ઓછી થઈ રહી છે તો બીજી તરફ જમીન સંપાદનમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદ.
Advertisement