લોકશાહીના આધારસ્તંભોમાં જે બાબતોની ગણના થાય છે તેમાં પત્રકારત્વનું પણ પોતાનું આગવું મહત્વ છે. પત્રકારત્વને લોકશાહીની ચોથી જાગીર કહેવાય છે. સામાન્ય રીતે આપણે પત્રકારત્વને સમાજના આયનાની ઉપમા આપી શકીએ. સમાજમાં બનતી સારી નરસી ઘટનાઓને લોકો સમક્ષ રજુ કરતું પત્રકારત્વ પોતાના માધ્યમ દ્વારા એકબીજાને ખબરો પહોંચાડવા અસરકારક ભુમિકા અપનાવતું પણ દેખાય છે. પહેલાના સમયમાં પણ પત્રકારત્વ પોતાની ફરજ બજાવતું હતું. પત્રકારત્વની વાત કરીએ તો કવિ નર્મદનો સમય સ્વાભાવિક જ યાદ આવી જાય! ઓગણીસમી સદીમાં ગુજરાતી સાહિત્યના આ સર્જકે પત્રકારત્વને એક આગવી ઓળખ આપી હતી. કવિ નર્મદે તે સમયે “દાંડિયો “નામનું પત્ર શરૂ કર્યુ હતુ, અને તેના દ્વારા સમાજમાં જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય આરંભ્યુ હતું. આ એક એવું વિરલ પત્રકારત્વ હતુ જેનાથી સમાજને એક નવો રાહ મળ્યો. પ્રાચીન સમયના અને આજના પત્રકારત્વમાં એક ખુબ મોટો બદલાવ જોવા મળે છે. આજે તો ઇન્ટરનેટના સહારે સોસિયલ મિડીયાનો વ્યાપ વધ્યો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં વિશ્વના એક ખુણામાં બનતી ઘટના દુરના વિસ્તારોમાં સોસિયલ મિડીયાના વિવિધ માધ્યમો દ્વારા ફેલાઇ જતી હોય છે અને આજ બાબતના બીજા પાસાનો વિચાર કરીએ તો સોસિયલ મિડીયાના વધેલા વ્યાપે જાણે પત્રકારોનો પણ રાફડો ફાટ્યો હોય એવું પણ દેખાય છે.જાણે કે પત્રકારત્વ એક શોખ બની ગયુ હોય એવુ પણ ક્યાંકને ક્યાંક દેખાય છે. ઘણીવાર આપણે સોસિયલ મિડીયામાં એકની એક સમાચારલક્ષી પોસ્ટો ફરતી જોઇએ છીએ. ત્યારે સોસિયલ મિડીયાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા દર્શકો પણ એક જ વિષયની પોસ્ટો જોઇ જોઇને જાણે એચાઇ જતા હોય એવી લાગણી પણ દેખાતી હોય છે. આગળ કહ્યુ તેમ પત્રકારત્વ જાણે એક શોખનો વિષય હોય એમ આજે પત્રકારોની સંખ્યામાં ખુબ મોટો વધારો થયો છે. આમાં ઘણા પત્રકારો સોસિયલ મિડીયા પર આધાર રાખતા હોય છે. નકલ અને અકલ એ બે શબ્દો પરસ્પર વિરોધી ગણાય! છતાં આજે સોસિયલ મિડીયા પર બીજાની નકલ કરતા લોકો પણ મોટી સંખ્યામાં જણાય છે. સામાન્ય રીતે પત્રકાર એટલે સમાચાર પત્રને ચલાવનાર તેને ધબકતું રાખનાર. પણ આજે સોસિયલ મિડીયાના વધેલા વ્યાપે ઘણા પત્રકારો જાણે “સુંઠના ગાંગડે ગાંધી” બનવા નીકળ્યા હોય એવું પણ જણાતુ હોય છે અને આ બાબતે ઘણીવાર સાચા પત્રકારોને માટે ક્ષોભજનક સ્થિતિ પણ નિર્મિત થતી દેખાતી હોય છે અને તેને લઇને સાચા પત્રકારો ઘણીવાર પોતે જાણે હાંસીયામાં મુકાતા હોવાની લાગણી પણ અનુભવતા હોય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ