ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકામાં આવેલાં ખોજબલ ગામે શુક્રવારે સમી સાંજે ચુંટણીની અદાવતે બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતું. ઘટનામાં 10 શખ્સોએ બે મહિલાઓ સહિત 6 વ્યક્તિઓ પર હૂમલો કરતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, વાગરા તાલુકામાં આવેલાં ખોજબલ ગામે રહેતાં ઉર્મિલા રાજેશ વસાવા, અનિતા હેમંત રાય, હેમંત બજરંગી રાય, રણજીત જીભઇ વસાવા, ઇનાયત મુસા પટેલ તેમજ અવિનાશ રાજેશ વસાવા ખેતરે કામ પુર્ણ કરી ટ્રેક્ટર લઇને ઘરે પરત આવી રહ્યાં હતાં. તે વેળાં ગામના કેટલાંક શખ્સોઅે ચુંટણીની અદાવતે તેમને રસ્તામાં રોકી તમે અહીંથી કેમ જાઓ છો તેમ કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો.
તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં મામલો ગરમાતાં રસ્તો રોકનારાઓ અમરસિંગ રાયસિંગ રાજ, ઇરફાન અબ્દુલ, સલીમ અમરસંગ, તોસીફ, રિયાઝ યુસુફ, સરફરાજ અબ્દુલ રાજ, આરીફ યાકુબ રાજ, શહેજાદ યુસુફ, અસ્લમ યાકુબ રાજ તેમજ અબ્દુલ રાજ સહિતનાઓએ તેમની ઉપર લાકડી, છરી તેમજ ધારિયાથી હૂમલો કરતાં ભારે ધિંગાણું સર્જાયું હતું.
ઘટનામાં ઉર્મિલા વસાવા, અનિતા રાય, હેમંત રાય, રણજીત વસાવા, ઇનાયત પટેલ તેમજ અવિનાશ વસાવાને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં તબીબોએ તેમને પ્રાથમિક સારવાર આપ્યાં બાદ તે પૈકીના કેટલાંકને અન્ય હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયાં હતાં. બનાવની જાણ વાગરા પોલીસને કરવામાં આવતાં પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે ધસી આવ્યો હતો.
બનાવની જાણ થતાં વાગરાના ભાજપના ધારાસભ્ય અરૂણસિંહ રણા પણ સિવિલ હોસ્પિટલ ખાતે ધસી આવ્યાં હતાં. તેમણે ઇજાગ્રસ્તોને સુચારું સારવાર મળે તે માટેનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત તેમના કાર્યકરો પર ચુંટણીની અદાવતે હૂમલો કર્યો હોવાનું જણાવ્યું હતું…તો બીજી તરફ સામે પક્ષ ના યુવાનો ને પણ ઈજાઓ પહોચતા તેઓને પણ તાત્કાલિક નજીક ની હોસ્પિટલમાં ખસેડાયા હતા .
હારૂન પટેલ