ભરૂચની નર્મદા નદીનાં અંકલેશ્વર તરફનાં છેડા પર કોવિડ-19 સ્મશાન આવેલ છે. આ સ્મશાનમાં કોરોના પોઝીટિવ દર્દીઓનાં મોત નીપજતાં તેમને અંતિમ સંસ્કાર આપવામાં આવે છે. આ અંગે સ્મશાનમાં અગ્નિ દાહ આપવા કર્મચારીઓનો ભરૂચ નગરપાલિકા સાથે એક કોન્ટ્રાકટર કરવામાં આવ્યો હતો જે કોન્ટ્રાકટની શરતો મુજબ માત્ર ભરૂચ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારોમાં કોરોના પોઝીટિવ દર્દીનાં મોત નીપજયાં હોય તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે તેમ નક્કી થયું હતું પરંતુ સમય જતાં જીલ્લાનાં અન્ય વિસ્તારનાં કોરોના પોઝીટિવ દર્દીઓનાં મોત નીપજતાં આજ કોવિડ-19 સ્મશાન કેન્દ્ર ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જે અંગે નાણાંકીય તકરાર પણ થતી હોવાની વાતો વહેતી થઈ છે ત્યારે આવનાર તા.17-9-2020 નાં રોજ કોવિડ-19 નાં સ્મશાનમાં અગ્નિ દાહ કરતા કર્મચારી સાથેનો નગરપાલિકાનો કોન્ટ્રાકટ પૂર્ણ થાય છે ત્યારે હવે આ કોન્ટ્રાકટને રિન્યુ કરવા અંગે કેવી નવી શરતો મુકાય છે અને કઈ રીતે આવનાર દિવસોમાં કોરોના પોઝીટિવ દર્દીઓનાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તે અંગે જોવું રહ્યું.
જોકે કોવિડ-19 સ્મશાનનાં મુખ્ય કર્તાહર્તા ધર્મેશ સોલંકીએ જણાવ્યુ હતું કે અગાઉ કોન્ટ્રાકટ શરતો મુજબ સમય અને અન્ય બાબતોનું પાલન કરવામાં આવ્યું ન હતું. પરંતુ હવે કોન્ટ્રાક્ટ મુજબ કામ કરવામાં આવશે એટલુ જ નહીં પરંતુ જો કોન્ટ્રાક્ટની શરત બંને પક્ષે માન્ય નહીં હોય તો અંતિમ ક્રિયા અંગેની કામગીરી કરવામાં આવશે નહી. જોકે માનવતાવાદી ધોરણોનાં વ્યાખ્યા અંગે ભરૂચમાં અલગ-અલગ ચર્ચાઓ થઈ રહી છે. માનવતાનાં ધોરણે માત્ર આર્થિક માપદંડોથી નક્કી ન થવા જોઈએ તેવી લોકચર્ચા ચાલી રહી છે. સરકાર કોરોનાથી મોત પામતા વ્યક્તિઓની અંતિમક્રિયા અંગે અન્ય વિકલ્પો પણ ઊભા કરવા જોઈએ તે સમયની માંગ છે સાથેસાથે કોરોના પોઝીટિવ દર્દીઓનાં મોતનાં સમયે અપાયેલ ગાઈડલાઇન મુજબ કામ થવું જોઈએ. તેથી અન્ય વિકલ્પો ઊભા કરવા સમયની જરૂરિયાત છે. કોરોના હજી લાંબા સમય સુધી ચાલુ રહે તેવા સમયે મોતનો આંકડો ઊંચો જાય તેવા સમયે વૈકલ્પિક સાધનો અને સુવિધાઓ તંત્ર પાસે નહીં હોય તો અરાજકતા ઊભી થાય તેવી સંભાવના નકારી શકાતી નથી.