ભરૂચ જિલ્લાના ઔધોગિક તેમજ વેપારી મથક પાલેજ ખાતે તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ કંપનીઓ ઝેરી પ્રદુષણ ફેલાવી રહી છે, આવી કંપનીઓનાં પ્રદુષણથી લોકો નાં સ્વાસ્થ્ય સાથે દાયકાઓથી રમત રમાઈ રહી છે પરંતુ સરકારી તંત્રના વ્યાપક ભ્રષ્ટાચારને લઈ આવી કંપનીઓને મોડી રાત્રે પ્રદુષણ છોડવાનું લાઇસન્સ મળી રહ્યું એમ લાગી રહ્યું છે. ગત રાત્રે પાલેજ સ્થિત આવેલ ફિલિપ્સ કાર્બન બ્લૅક કંપની દ્વારા હવામાં કાર્બન બ્લૅક પાઉડરનો મારો કરવામાં આવતા પાલેજ નગરનાં લોકોના ઘરના ધાબા, ઓટલા, વાહનો સુદ્ધામાં કાળાશ વ્યાપી જવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.
પાલેજ જી.આઈ.ડી.સી સ્થિત આવેલ આ કંપની દાયકાઓથી પાલેજના લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હોવા છતાં જી.આઇ.ડી.સી ની કંપની વિરુદ્ધ કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં તંત્ર સદંતર નિષ્ફર નીવડી રહ્યું છે. જેના પાછળ કંપની સત્તાધીશોનું ઉચ્ચ કક્ષાએ થતો વહીવટ નગરજનોમાં ચર્ચાઈ રહ્યો છે. દાયકાઓથી ફિલિપ્સ કાર્બન કંપનીનું પ્રદૂષણ પાલેજને ઘેરી વળે છે. પાલેજમાં ચોમાસાની ઋતુમાં ગુરુવારની રાતે લોકોના રહેઠાણ ઉપર કંપની દ્વારા છોડવામાં આવેલા કાળા રજકણો આવી પડતા શુક્રવારે સવારે ગૃહિણીઓ ભારે વિરોધ દર્શાવ્યો હતો, દર વર્ષે શિયાળાની શરૂઆતથી જ પાલેજ ઉપર કાર્બનના ઝેરી રજકણોના વાદળ ઘેરાવા માંડતાં હોઈ છે જેથી સમય રહેતા આવી કંપનીઓ વિરુદ્ધ કાયદાકીય છટક બારીઓનાં ઉપયોગ વિના કડક પગલાં ભરવા લોકમાંગ ઉઠી છે.ગુરુવારે મોડી રાતે છોડવામાં આવેલા પ્રદૂષણ સંબંધને જમીયતે ઉલેમા ના જનરલ સેક્રેટરી અબ્દુલ કૈયુમ પટેલેએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને આડે હાથે લેતા જણાવ્યું હતું કે કંપની વિરુદ્ધ પગલાં ભરવા અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા કંપની વિરુદ્ધ એવા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી જેને લઈ કંપનીનાં પ્રદુષણમાં ઘટાડો જોવા મળ્યો હોઈ. જ્યારે પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મોનેટરિંગ કરે છે ત્યારે સ્થાનિક લોકો હાજર રાખવાની માંગણી પાલેજનાં વીરેન્દ્ર સિંહ ગોહિલ, મિતેષ શાહ, રજની શાહે સંયુક્ત રીતે કરી છે. વીરેન્દ્ર સિંહે કંપની વિરુદ્ધ સીધો આક્ષેપ પાલેજ હાઇવે સ્થિત આવેલી ફિલિપ્સ કાર્બન બ્લેક કંપનીને તાત્કાલિક ધોરણે બંધ કરવા માંગ ઉઠાવી હતી. પાલેજ નગરના વેપારી ઇસ્માઇલખાન પઠાણે પણ કંપનીના પ્રદુષણનો વિરોધ દર્શાવી પાલેજને દાયકા જૂની પ્રદુષણની સમસ્યામાંથી મુક્તિ અપાવવા સરકારી તંત્રને વિનંતી કરી હતી. પાલેજ તાલુકા પંચાયત સદસ્ય મોહસીન ખાન પઠાણ દ્વારા કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણને લઇ ગ્રામજનોમાં કેન્સર દર્દીઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યાનું જણાવી જો તંત્ર દ્વારા કોઈ જ પગલાં લેવામાં નહીં આવે તો હવે કંપની વિરુદ્ધ આંદોલન જ એક માત્ર ઉપાય હોવાની ચીમકી ઉચ્ચારી હતી. પાલેજમાં રાત્રી દરમિયાન વાર્તાયેલા કાળા કેર અંગે કંપની સત્તાધીશોનો કોઈ જ સંપર્ક કરી થઈ શક્યો ના હતો.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ