ભરૂચ નગરનાં ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર વગેરે વિસ્તારો તેમજ ધોળીકુઇ, દાંડિયાબજારમાં પૂરનાં પાણી ભરાયા હતા. પૂરનું પાણી ઓસરી ગયા બાદ આ વિસ્તારોમાં કાદવ કીચડ અને ગંદકીની સમસ્યા ઊભી થઈ હતી અને ફેલાયેલા કચરા અને પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હતી તેની સામે સ્થાનિક વેપારીઓ, સામાજિક આગેવાનો અને નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. યુદ્ધનાં ધોરણે સફાઈ અભિયાન શરૂ કર્યું હોવા છતાં સંપૂર્ણ સફાઈ થવામાં એક બે દિવસ લાગી શકે તેમ છે. તેનું મુખ્ય કારણ એ છે કે વિવિધ વિસ્તારમાંથી પાણીમાં કચરો ખેંચાઇ આવ્યો છે તે સાથે બજારોની દુકાનમાં પાણી ભરાતા કેટલીક દુકાનોનાં માલસામાન પણ સડી જતાં તેની સાફ સફાઈ થવામાં હજી સમય લાગશે તેમ જણાય રહ્યું છે. જોકે તાત્કાલિક ધોરણે જંતુનાશક દવાનો છંટકાવ થવો પણ એટલો જ જરૂરી છે. સ્થાનિક વેપારીઓ દ્વારા જે નુકસાન થયું છે તે અંગે સરકાર પાસે રાહત પેકેજની પણ માંગ કરવામાં આવી છે.
ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ કરાયું.
Advertisement