સ્વચ્છતા પાછળ જંગી ખર્ચ કરતી ભરૂચ નગરપાલિકા સ્વચ્છતાની દુનિયામાં પાછળને પાછળ ધકેલાતી જાય છે. કરોડો રૂપિયાનો ખર્ચ જુદા-જુદા અભિયાનોમાં કરવામાં આવે છે. ડોર ટુ ડોર કચરો ઉધરાવવાનું અભિયાન હોય કે પછી નાના-મોટા સ્વચ્છતા અંગેનાં પ્રોજેકટ હોય ભરૂચ નગરપાલિકાએ આવા પ્રોજેકટો પાછળ જંગી ખર્ચ કરવામાં પાછી પાણી કરી નથી. દરેક વખતે સ્વચ્છતાનાં નામે વધુને વધુ ખર્ચ કરવા છતાં આ વર્ષે સર્વેક્ષણ વર્ષ 2020 માં ભરૂચ નગરપાલિકાનાં વહીવટનાં પગલે ભરૂચ 164 માં ક્રમે ધકેલાયું છે. નબળી નેતાગીરીની સાથે-સાથે નબળો વહીવટ અને કેટલીક ગેરરીતિનાં પગલે ભરૂચ નગરનાં લોકોને નીચું જોવા જેવુ થયું છે. એમ માનવામાં આવતું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ભરૂચ સ્વચ્છતા સર્વેક્ષણમાં સારો અને ઉજળો દેખાવ કરશે. પરંતુ આ આશા નિરાશામાં ફેરવાય ગઈ. ભરૂચ નગરપાલિકાનાં કર્તાહર્તાઓ કેટલાક રસ્તાઓ કેટલાક માનીતા વિસ્તારોમાં સાફ-સફાઈ કરવામાંથી ઊંચા ન આવ્યા તેનું આ પરિણામ આવેલ છે. 6000 પોઈન્ટ પૈકી ભરૂચ નગરપાલિકાને એટલે કે ભરૂચને માત્ર 2736.49 માર્કસ મળ્યા છે. એમ કહી શકાય કે 50 % સુધી પણ સારો દેખાવ ભરૂચ નગરપાલિકાએ કર્યો નથી. ગત વર્ષે એટલે કે વર્ષ 2019 માં ભરૂચ નગરનો ક્રમાંક 118 પર હતો. આમ 50 જેટલા ક્રમની અધોગતિ ભરૂચ નગરપાલિકાએ કરેલ છે. જેના માટે જવાબદાર કોણ ? ભરૂચ કરતાં અંકલેશ્વર સર્વેક્ષણમાં આગળ છે. બજેટ ઓછું હોવા છતાં ઉજળો દેખાવ અંકલેશ્વર નગરપાલિકા કરી રહી છે જે નોંધપાત્ર બાબત છે.
ભરૂચ નગરપાલિકાની અધોગતિ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ 164 માં ક્રમે આવ્યું.
Advertisement