શ્રીજી મહોત્સવનાં ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ સમિતિ ભરૂચ દ્વારા દર વર્ષે જયાં શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે ત્યાં જ સ્થાપના કરવા દેવાની માંગણી કરતું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તા.22-8-2020 નાં રોજ શ્રીજી મહોત્સવનો પ્રારંભ થાય છે જે ધાર્મિક આસ્થાનો ઉત્સવ છે. ગણેશ ઉત્સવ દરમિયાન હિંદુઓ દર વર્ષે જે સ્થળે પ્રતિમાની સ્થાપના કરતાં હોય છે અને ધાર્મિક વિધિ પ્રમાણે મુર્તિનું સ્થાપના સ્થળનું વિશેષ મહત્વ હોય છે. ગણેશજીની મુર્તિની સ્થાપના એક જ જગ્યાએ થતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા સ્થાપના દર વર્ષે થાય છે તે સ્થળે ન કરવા દઈ વ્યક્તિગત ઘરમાં સ્થાપના કરવા દેવાનું જાહેરનામું હિંદુઓની લાગણી દુભાવવા સમાન છે. જાહેરનામા હિંદુઓની લાગણી દુભાવવા માટે જ હોય છે ? જો લગ્ન પ્રસંગે 50 વ્યક્તિઓને ભેગા થવાની છૂટ મળતી હોય તો ગણેશ ઉત્સવ દરમ્યાન 5 વ્યક્તિને છૂટ કેમ ન મળી શકે ? તેવો પ્રશ્ન આવેદનપત્રમાં ઉઠાવવામાં આવેલ છે. વધુમાં ગણેશ મંડળો દ્વારા ખાતરી આપવામાં આવી છે કે કોવિડ મહામારીની દરેક ગાઈડલાઇનનું મંડળ દ્વારા પાલન કરવામાં આવશે. મુર્તિને અનુરૂપ મૂળ જગ્યા પર નાનો મંડપ બાંધવામાં આવશે. મુર્તિની ઊંચાઈ જાહેરનામા મુજબ 2 ફૂટની અને માટીની રાખવામા આવશે. તેમજ સવાર સાંજ આરતી તથા પૂજાના નિયત સમયે જ મંડપ ખોલવામાં આવશે તે સિવાય મંડપ બંધ રાખવામાં આવશે. આરતીના સમયે 5 થી વધુ વ્યક્તિ એકત્રિત નહીં થાય તેવી ખાતરી આપવામાં આવી છે. જયારે આ સમયે મીડિયા સમક્ષ આપેલ ઇન્ટરવ્યુમાં ગણેશ ઉત્સવ આયોજકોનાં આગેવાને જણાવ્યુ હતું કે તા.10-7-2020 નાં રોજ જાહેરનામા દ્વારા સરકારે 9 ફૂટની ઊંચાઈ ધરાવતી પ્રતિમાની પરવાનગી આપી હતી તે હવે જયારે ગણેશ મહોત્સવનાં 2 દિવસ બાકી છે ત્યારે 2 ફૂટની પ્રતિમા કઈ રીતે બનાવી શકાય મંડળ દ્વારા ઓર્ડરો મુજબ પ્રતિમા તૈયાર થઈ ગઈ છે તેવો પ્રશ્ન ગણેશ મંડળ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ છે.
લોકમાન્ય તિલક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષનાં નિશ્ચિત સ્થાપનાનાં સ્થળે ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા અંગેનું આવેદનપત્ર ભરૂચ જીલ્લા કલેકટરને આપવામાં આવ્યું.
Advertisement