ભરૂચના ભાડભૂત ખાતે રૂપિયા 5300 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભાડભૂત બેરેજ યોજનાના કાર્યનું ખાતમુર્હત કરાયું હતું.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડની બહુહેતુક ભાડભૂત બેરેજ યોજનાનો નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવા સાથે જળ આત્મનિર્ભર અને વોટર સરપ્લસ સ્ટેટ માટે આધુનિક તકનીક સાથે આ યોજના વર્લ્ડ ક્લાસ આઇકોનિક પ્રોજેક્ટ તરીકે ગુજરાતને વિશ્વના વોટર પ્રોજેક્ટ નકશે પ્રસ્થાપિત કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. નર્મદાના કિનારે વસેલા ભરૂચ અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં આ ભાડભૂત યોજના મીઠા પાણી પહોચાડવા સાથે ખારાશ આગળ વધતી અટકાવવા અને સિંચાઇ તેમજ ઉદ્યોગોને પણ પૂરતું પાણી આપવામાં ઉપકારક બનવાની છે. ભરૂચ જિલ્લામાં ભાડભૂત ખાતે સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ભાડભૂત બેરેજ યોજનાનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. ભાડભૂત બેરેજ યોજના શરૂઆતથી જ વિવાદમાં રહી છે. જયારથી આ યોજના જાહેર કરવામાં આવી ત્યારથી માછી સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. માછીમાર સમાજનાં જણાવ્યા મુજબ આ યોજના સાકાર થતાં માછીમારી પર તેની વિપરીત અસર પડશે ખાસ કરીને હિલસા માછલી પર આ યોજના સાકાર થયા બાદ ખૂબ અસર પડશે. માછીમારોએ તેમનો વિરોધ વ્યકત કરવા રેલી, આવેદનપત્ર અને અન્ય કાર્યક્રમો પણ યોજયા હતા.
હવે જયારે ભાડભૂત બેરેજ યોજનાનાં બાંધકામની શરૂઆત થઈ રહી છે ત્યારે પોલીસની કડક કિલ્લેબંધી સાથે માછીમારીઓએ નર્મદા નદીમાં પોતાની નાવડી અને બોટ ઉપર કાળા વાવટા ફરકાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ : ભાડભૂત બેરેજ યોજનાનો મુખ્યમંત્રીનાં હસ્તે ઇ શુભારંભ થતા માછીમાર સમાજે બોટો લઇ કાળા વાવટા ફરકાવી વિરોધ નોંધાવ્યો.
Advertisement