ભરૂચના આલી મસ્જીદ પાસે આવેલી સનરાઇઝ નામની દુકાનમાં એસઓજીની ટીમે દરોડો પાડી 2.55 લાખની મત્તાનો સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દુકાનનો સંચાલક ગેરકાયદે રીતે સિગરેટનો હોલસેલ વેપાર કરતો હોવાનું પ્રાથમિક તબક્કે જણાયું હતું. બનાવ સંદર્ભે એસઓજીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એસઓજીની ટીમના ઇન્સપેક્ટર પી. એન. પટેલ, સબ ઇન્સ્પેક્ટર કે. એમ. ચૌધરી, સબ ઇન્સ્પેક્ટર ડી. જી. રબારી તેમજ અન્ય સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભરૂચના આલી મસ્જીદ પાસે આવેલી અને આશિયાના સોડાવાલાની …અનુસંધાન પાના નં.2
બાજુમાંની સનરાઇઝ નામની દુકાનમાં ગેરકાયદે રીતે સિગરેટનું વેચાણ થાય છે. જેના આધારે એસઓજીની ટીમે તેના ત્યાં દરોડો પાડ્યો હતો. પોલીસે દુકાનના સંચાલક નરેશ જગજીવનદાસ મહેતા (રહે. જવાહર નગર, જૂની આરટીઓ, નંદેલાવ રોડ)ની અટકાયત કરી હતી. ઉપરાંત દુકાનમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની અન્ય દેશની અને પરવાના વિનાની સિગરેટોના કારટૂનો મળી આવ્યાં હતાં. જેને પગલે ટીમે કુલ 2.55 લાખની મત્તાની વિવિધ બ્રાન્ડની સિગરેટોનો જથ્થો કબજે કરી સનરાઇઝ દુકાનના સંચાલક નરેશ જગજીવનદાસ મહેતા વિરૂદ્ધ ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશેને તમાકુ ઉત્પાદન અધિનીયમની કલમ 7,8,9 તથા 20 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.